લાલપર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ-5માં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, કરોડોનો મુદ્દામાલ ઝડપ્યો
ડેનિસ દવે, મોરબીઃ મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલા લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-5માં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ 10 જેટલા આરોપીઓની પણ અટકાયત કરી બે કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મોરબી તાલુકાના લાલપર નજીક આવેલા લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-5માં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યાંથી 1.51 કરોડની કિંમતનો 3210 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તેમજ સાત વાહનો કબજે લેવામાં આવ્યા છે અને 10 મોબાઈલ મળી, કુલ રૂપિયા 2.18 કરોડનો મુદામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ શાનવી ટ્રેડિંગ નામનું આ ગોડાઉન અમદાવાદના જીમિત પટેલ નામના વ્યક્તિ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને અહીં વિદેશી દારૂ પણ તેના દ્વારા મંગાવવામાં આવ્યો હતો. તેમજ રાજસ્થાનના ભારત મારવાડી અને રાજારામ મારવાડી સાથે ભાગીદારીમાં આ ધંધો કરતો હતો અને દર અઠવાડિયે બે ગાડીનું કટિંગ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી.
રાજસ્થાનથી આવતો દારૂ હળવદ, ચોટીલા, થાન, વાંકાનેર અને મોરબી જેવા શહેરોમાં મોકલવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તેમજ માલ ક્યાં મોકલવામાં આવતો હતો, તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં મુખ્ય સૂત્રધાર અમદાવાદનો જીમીત પટેલનો કેશિયર અને ગોડાઉનનો સંચાલક રમેશ પટણી (રહે.કચ્છ) ને પણ અઢી લાખની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ફ્રૂટના બોક્સ અને મીઠાની આડમાં દારૂનો વેપલો ચાલતો હતો. હાલમાં SMC ટીમ દ્વારા 10 ઈસમની અટકાયત કરી અને ત્રણ ઈસમો જીમીત પટેલ, ભરત મારવાડી અને રાજારામ મારવાડીની શોધખોળ શરૂ કરી છે.