November 22, 2024

મોરબીમાં ત્રણ વર્ષ પહેલાં બનેલા બ્રિજની દીવાલ ધરાશાયી, ગ્રામલોકોનો ભ્રષ્ટાચારનો આક્ષેપ

ડેનિશ દવે, મોરબીઃ જિલ્લાના આમરણ તાલુકાના ધૂળકોટ ગામે ત્રણ વર્ષ પહેલાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તે ગઈકાલે મોડી રાત્રે વરસાદ પડવાથી બ્રિજ નજીકની દીવાલ ધરાશાયી થઈ હતી. તેને લઈને ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બ્રિજ નજીકની દીવાલ ધરાશાયી થઈ હતી. ત્યારબાદ આસપાસના 10થી વધુ ગામો કોયલી, ગજડી, માણેકવાળા અને રાજકોટ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. તદ્ઉપરાંત ખેતરોમાં જવાના રસ્તા પણ બંધ થતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ કુંભારીયા ગામના પાદર ફળિયાના 40 મકાનો ડૂબ્યાં, તંત્ર પાસે મદદની પોકાર

આ ગામમાં ત્રણ વર્ષ પહેલાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તેની દીવાલ પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમજ ખેડૂતોને ખેતી કરવા જવું પણ મુશ્કેલ બન્યું છે. ધૂળકોટ ગામના પૂર્વ સરપંચ નટુભાઈ દ્વારા ન્યૂઝ કેપિટલના પ્રતિનિધિને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. તેમાં જણાવ્યું હતું કે, બ્રિજની દીવાલ પડી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ બ્રિજની દીવાલ માત્ર 3 વર્ષમાં પડી જતા પૂર્વ સરપંચ સહિત ગ્રામજનોએ ભ્રષ્ટચારનો પણ આક્ષેપ કર્યો છે. તદુપરાંત જો તાત્કાલિક આ દીવાલ-બ્રિજ નવા નહીં બને તો ગ્રામજનો બહોળી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરીએ આંદોલન કરશે તેવું જણાવ્યું હતું.