December 22, 2024

આજે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં IMDનું રેડ એલર્ટ, મેઘરાજા બોલાવશે ધડબડાટી

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામી ગયો છે. ત્યારે વરસાદ અંગે ગુજરાતના અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્ર પરથી સૌરાષ્ટ્રમાં રેડ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની પ્રમાણે રાજકોટ, જામનગર, દેવભુમી દ્વારકા, પોરબંદર, જુનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

બીજી તરફ હવામાન વિભાગે ગીર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. ત્યાં જ મોરબી-કચ્છ અને દક્ષિણમાં નવસારી-વલસાડમાં ઓરેન્જ્ એલર્ટની આગાહી કરી છે.

આ પણ વાંચો: 2 કરોડનું દાન મેળવવા જતાં નવસારીની NGOએ 1 કરોડ ગુમાવ્યા, એક શખ્સની ધરપકડ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 18 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે

આ સાથે જ હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, જુલાઈના અંતમાં ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જામશે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘18 તારીખથી બંગાળના ઉપસાગરમાં મોટી સિસ્ટમ સર્જાશે. 26થી 28 જુલાઈ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને ચોમાસાની ધરી ઉત્તર-પૂર્વીય દિશામાં જશે. હાલ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.’