September 14, 2024

“અહી લોકો વચ્ચે ભાગલા ન પાડી શકાય”, હિન્દુઓ પર હુમલાઓને લઈને બોલ્યા મોહમ્મદ યૂનુસ

Bangladesh: બાંગ્લાદેશમાં હિંસાના દ્રશ્યો હવે શાંત થઈ ગયા છે. પરંતુ, તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન દેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે લઘુમતી હિન્દુઓ પર થયેલ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ એક એવું બાંગ્લાદેશ બનાવવા માંગે છે જ્યાં દરેક વ્યક્તિ ડર્યા વિના પોતાના ધર્મનું પાલન કરી શકે અને કોઈ મંદિરની સુરક્ષા ન કરવી પડે.

બાંગ્લાદેશ એક વિશાળ પરિવાર
મોહમ્મદ યૂનુસે જન્માષ્ટમીના અવસરે હિન્દુ નેતાઓને સંબોધતા કહ્યું હતું કે બાંગ્લાદેશ એક વિશાળ પરિવાર છે અને દરેક નાગરિકના અધિકારોની જાળવણી કરવી સરકારની ફરજ છે. તેમણે કહ્યું, ‘આપણી જવાબદારી દરેક નાગરિકના અધિકારો સ્થાપિત કરવાની છે. આપણું કામ દરેક નાગરિક માટે ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. આપણા દેશમાં લોકો વચ્ચે કોઈ ભાગલા ન થઈ શકે. તમામ નાગરિકો સમાન છે. વચગાળાની સરકાર દેશના દરેક નાગરિકના અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.

ભગવાન કૃષ્ણ પાસે માંગ્યા આશીર્વાદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક હિંદુ નેતાએ કહ્યું કે યૂનુસે બધા માટે સમૃદ્ધિ અને સંવાદિતા માટે ભગવાન કૃષ્ણ પાસે આશીર્વાદ માંગ્યા. તદુપરાંત, તેમણે જલમગ્ન વિસ્તારોમાં તહેવારો ન ઉજવવા માટે અપીલ કરી છે અને લોકોને રાહત સામગ્રી અને ખોરાક મોકલ્યો.

આ પણ વાંચો: તાલિબાનનું નવું ફરમાન, મહિલાઓને ઘરની બહાર બોલવા પર લગાવ્યો પ્રતિબંધ

ઢાકેશ્વરી મંદિરની કરી મુલાકાત
હિન્દુ નેતાઓએ જણાવ્યું હતું કે મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે જૂના ઢાકામાં આવેલા ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અહીંના લોકો સાથે વાત પણ કરી, જે ખૂબ જ પ્રશંસનીય છે. હિન્દુ નેતાઓને આશા છે કે આનાથી શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવામાં અને દેશમાં સંવાદિતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. તો, લોકોએ હિંદુ મંદિરોની જમીન સહિત હિંદુ સંપત્તિ પચાવી પાડવાનો મુદ્દો પણ મુખ્ય સલાહકાર સમક્ષ ઉઠાવ્યો હતો.