મોહમ્મદ શમીએ રોજા ન રાખીને ગુનો કર્યો… Ind Vs Aus મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પીતા જોઈ ભડક્યા મૌલાના

Mohammed Shami: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લઈને એક નવો અને મોટો વિવાદ ઉભો થયો છે. મોહમ્મદ શમીના એક ફોટાને કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક તસવીરમાં શમી મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પીતો જોવા મળે છે, જેના કારણે કટ્ટરપંથીઓ તેને નિશાન બનાવી રહ્યા છે. બરેલીના એક મૌલાનાએ કહ્યું છે કે રમઝાન દરમિયાન રોજા ન રાખીને શમીએ મોટું પાપ કર્યું છે. જોકે, શમીના સમર્થનમાં ઘણા અવાજો ઉઠી રહ્યા છે અને કેટલાક મૌલાનાઓએ તેનો બચાવ પણ કર્યો છે.

બરેલીના મૌલાના શહાબુદ્દીન રિઝવીએ કહ્યું છે કે ‘ શમીએ રોજા ન રાખીને મોટો ગુનો કર્યો છે. શરિયતની નજરમાં મોહમ્મદ શમી ગુનેગાર છે, કારણ કે ઇસ્લામમાં રોજા ફરજિયાત જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે શમીનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચનો છે. શમીએ તે મેચમાં 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

રમઝાન દરમિયાન રોજા ન રાખવા બદલ ટ્રોલ થઈ રહેલા મોહમ્મદ શમીને મૌલાનાઓનો પણ ટેકો મળી રહ્યો છે. દિલ્હીની મોતી મસ્જિદના ઇમામ મૌલાના અરશદે કહ્યું છે કે મોહમ્મદ શમીને ટ્રોલ કરનારા લોકો ન તો ઇસ્લામને જાણે છે અને ન તો કુરાનને. તેમણે કહ્યું કે ઇસ્લામમાં મુસાફરને રોજામાંથી મુક્તિ આપવામાં આવી છે. મૌલાનાએ કહ્યું, ‘મોહમ્મદ શમી હાલમાં ભારતની બહાર પ્રવાસ પર છે, તેથી આ તેમના પર પણ લાગુ પડે છે.’ રોજાની બાબતમાં, ફક્ત કુરાનના આદેશોનું પાલન કરવું જોઈએ, બરેલીના કોઈ મૌલાના કે બીજા કોઈના આદેશોનું નહીં. શમી દેશ માટે રમી રહ્યો છે, બધાએ આ યાદ રાખવું જોઈએ.

આ પણ વાંચો: ડેવિડ વોર્નરને લઈ મોટા સમાચાર, આ ભારતીય ફિલ્મમાં જોવા મળશે ક્રિકેટર

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પણ ક્રિકેટર મોહમ્મદ શમીને સપોર્ટ કર્યો છે. એસોસિએશનના પ્રમુખ રોહિત પવારે શમીનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે આખું એસોસિએશન શમીની સાથે ઉભું છે. તેમણે કહ્યું કે શમી ઇસ્લામનું સન્માન કરે છે પરંતુ તેમના માટે દેશ ધર્મથી પહેલા આવે છે. “દરેક વ્યક્તિના શરીરનો પ્રકાર અલગ હોય છે,” તેમણે કહ્યું. જો શમી મેચ દરમિયાન સારું પ્રદર્શન કરવા માટે એનર્જી ડ્રિંક્સ પી રહ્યો છે, તો તેમાં કંઈ ખોટું નથી. ચેમ્પિયન્સ ટ્રોફી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શમી સંપૂર્ણપણે ફિટ નહીં થાય, તો તે દેશને મોંઘુ પડી શકે છે.