ધારાસભ્ય કુમાર કાનાણીના લેટરનો દુરુપયોગ કરનાર ઈસમની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના લેટરનો દુરુપયોગ કરીને ખોટી રીતે આધાર કાર્ડ અને પાનકાર્ડ સુધારતા ઓરિસ્સાના ઈસમની ધરપકડ કરી છે. 200 રૂપિયા લઈને ધારાસભ્યના સિક્કાવાળા બોગસ લેટરો ઉભા કરી સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યના લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડમાં સુધારા કરતો દીપક પટનાયક પોલીસ પકડમાં આવ્યો અને આવા ઈસમો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેવી માગણી ભાજપના ધારાસભ્ય કુમાર દ્વારા કરવામાં આવી છે.
સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા MBAના અભ્યાસ સાથે જોડાયેલા દીપક પટનાયકની ધરપકડ કરી છે દિપક પટનાયક મૂળ ઓરિસ્સાનો રહેવાથી છે અને સુરતના કોસાડ આવાસમાં રહે છે. દીપકે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી-સિક્કા બનાવ્યા હતા અને આ સહી-સિક્કાના આધારે ગુજરાત તેમજ અન્ય રાજ્યના લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ સુધારતો હતો. આ બાબતને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા ખૂબ ગંભીર ગણાવી છે.
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે કે કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિના બોગસ સહિ અને સિક્કા બને અને તેનો દુરુપયોગ થાય. હું કાપોદ્રા પોલીસને ખૂબ અભિનંદન આપું છું. કાપોદ્રા પોલીસને માહિતી મળી કે, એક ધારાસભ્યના સહી-સિક્કાનો દુરુપયોગ થાય છે અને આ માહિતીના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઈસમ ઓરિસ્સાનો છે અને તે સુરતના કોસાડમાં રહે છે. કેટલી જગ્યા પર આ પ્રકારના ખોટા સહી-સિક્કાનો ઉપયોગ થયો હશે. તે તપાસમાં વિષય છે, પરંતુ એક ધારાસભ્યના સહી-સિક્કાનો આ પ્રકારે ઉપયોગ થવો તે ખૂબ જ ગંભીર બાબત છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાથે મારે વાતચીત થઈ છે અને તેમને મને જણાવ્યું છે કે આ તમામ બાબતો પર તપાસ ચાલી રહી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેને કેટલી જગ્યા પર આ સહી સિક્કાનો ઉપયોગ કર્યો છે અને કેટલા ડોક્યુમેન્ટ સુધાર્યા છે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે પરંતુ એક વાત છે કે આ ડોક્યુમેન્ટનો ઉપયોગ ખોટી રીતે પણ થયો હોઈ શકે છે કે કેટલીક જગ્યા પર રેશનકાર્ડ બોગસ બનાવવા કેટલી જગ્યા પર આધારકાર્ડ પાનકાર્ડ બોગસ બનાવવા જેવા કામમાં પણ આ ડોક્યુમેન્ટ આવ્યા હશે અને એટલા માટે જ આ ખૂબ ગંભીર બાબત છે.
તેમને વિદેશી ઘૂષણખોરો બાબતે જણાવ્યું કે, કેટલીક વખત વિદેશી ઘૂસણખોરો ધારાસભ્ય પાસે આવીને સહી-સિક્કા કરવાનું કહે તો ધારાસભ્ય તેને ના પાડી દેતા હોય છે અને તેમનું ખોટું કામ કરતા ન હોય અને એટલા માટે જ આવા લોકો પાસે આવા વિદેશી ઘૂસણખોરો કામ કરાવતા હોય છે જેથી કરીને તેમને કોઈ પણ ધારાસભ્ય કે જન પ્રતિનિધિ પાસે જવું ન પડે અને ગેરકાયદેસર રીતે તેના ડોક્યુમેન્ટ ઊભા થઈ જાય.