February 27, 2025

સુદાનમાં લશ્કરી વિમાન દુર્ઘટનામાં 19 લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

Sudan: સુદાનમાં એક ભયાનક વિમાન અકસ્માત થયો છે. જેમાં સેનાનું વિમાન એક ઘર સાથે અથડાયું હતું અને વિમાનમાં સવાર લશ્કરી અધિકારી સહિત ઘરમાં હાજર નાગરિકોના પણ મોત થયા હતા. મંગળવારે ખાર્તુમની બહાર સુદાનનું એક લશ્કરી વિમાન ક્રેશ થયું હતું, જેમાં અનેક અધિકારીઓ અને નાગરિકોના મોત થયા હતા. એમ સેનાએ જણાવ્યું હતું. એક ન્યૂઝના અહેવાલ મુજબ ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે.

વાડી સીદના એર બેઝ પરથી ઉડાન ભરતી વખતે આ અકસ્માત થયો હતો. સેનાના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો બંનેને અસર થઈ હતી. એપ્રિલ 2023 થી અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RAF) સાથે સંઘર્ષમાં રહેલી સુદાનની સેનાએ આ અકસ્માત માટે ટેકનિકલ ખામીને જવાબદાર ઠેરવી છે.

સુદાનની સેના 2023 થી RAF સાથે સંઘર્ષમાં છે અને તાજેતરમાં જ સુદાનના અનેક શહેરો અને નગરોને RAF ના નિયંત્રણમાંથી મુક્ત કરાવ્યા છે. સુદાનની સેનાએ બે વર્ષના RAF કબજામાંથી મુખ્ય શહેર અલ-ઓબેદને મુક્ત કરાવ્યું, ત્યારબાદ લોકો શહેરના રસ્તાઓ પર ઉજવણી કરતા જોવા મળ્યા. ઉત્તર કોર્ડોફાન રાજ્યની રાજધાની ખાર્તુમને દારફુર સાથે જોડતું એક વ્યૂહાત્મક કેન્દ્ર છે અને તાજેતરના નોંધપાત્ર ફાયદાઓ પછી સેનાની જીત સંઘર્ષમાં એક વળાંક લાવી શકે છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ઓમદુરમનની અલ-નાઓ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો અને ઘરોને ભારે નુકસાન થયું હતું. આસપાસના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ વિમાન દુર્ઘટના એવા દિવસે બની જ્યારે RAF એ દક્ષિણ ડાર્ફુરના ન્યાલામાં એક ફાઇટર જેટને તોડી પાડવાની જવાબદારી સ્વીકારી હતી.