કેન્સરની સારવાર કરાવવાના બહાને બેલ્જિયમ પહોંચ્યો હતો મેહુલ ચોકસી, કેવી રીતે થઈ ધરપકડ?

Mehul Choksi: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચોક્સીની 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે કેન્સરની સારવાર કરાવવાના બહાને બેલ્જિયમ પહોંચ્યો હતો અને ત્યાંથી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ તે પહેલાં જ તે ભારતીય તપાસ એજન્સીઓના જાળમાં ફસાઈ ગયો. ભાગેડુ ચોક્સી પીએનબી બેંક કૌભાંડનો આરોપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાગેડુ ચોક્સીએ બેલ્જિયમમાં પોતાની ભારતીય અને એન્ટિગુઆ નાગરિકતા છુપાવી હતી. ત્યાંથી તે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે કેન્સરની સારવાર કરાવવાના બહાને બેલ્જિયમ પહોંચ્યો હતો. ભારતીય તપાસ એજન્સીઓ ED અને CBI તેને ટ્રેક કરી રહી હતી. માહિતી મળતાની સાથે જ બેલ્જિયમની તપાસ એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી હતી.
ચોક્સી સંબંધિત દસ્તાવેજો બેલ્જિયમને સોંપાયા
ચોક્સી સંબંધિત તમામ દસ્તાવેજો અને ધરપકડના કાગળો પણ બેલ્જિયમ એજન્સીઓ સાથે શેર કરવામાં આવ્યા હતા. આ પછી બેલ્જિયમ સુરક્ષા એજન્સીઓએ સતર્કતા દાખવી. વર્ષ 2017 માં તેમણે એન્ટિગુઆનું નાગરિકત્વ લીધી. એક વર્ષ પછી, 2018 માં મેહુલ ચોક્સી તેના પરિવાર સાથે એન્ટિગુઆ ભાગી ગયો. 2021 ના અંતમાં, તે એન્ટિગુઆથી ભાગી ગયો.
અગાઉ, ચોક્સી ડોમિનિકામાં પણ એક વાર પકડાયો હતો, પરંતુ 51 દિવસ જેલમાં રહ્યા બાદ, તેને બ્રિટિશ રાણીની પ્રિવી કાઉન્સિલ તરફથી રાહત મળી. ચોક્સી પર પીએનબી બેંક સાથે 13850 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. ચોક્સીની કંપનીનું નામ ગીતાંજલી જેમ્સ લિમિટેડ હતું.
પીએનબી કૌભાંડ એ બેંકિંગ ઇતિહાસનો સૌથી મોટો કૌભાંડ
પીએનબી કૌભાંડને ભારતના બેંકિંગ ઇતિહાસમાં સૌથી મોટા નાણાકીય છેતરપિંડીના કેસોમાંનો એક માનવામાં આવે છે. આ કૌભાંડ 2018 માં પ્રકાશમાં આવ્યું હતું અને તેના મુખ્ય આરોપીઓમાં હીરા વેપારી મેહુલ ચોક્સી અને તેનો ભત્રીજો નીરવ મોદીનો સમાવેશ થાય છે. પંજાબ નેશનલ બેંકે ફેબ્રુઆરી 2018 માં ખુલાસો કર્યો હતો કે મુંબઈમાં તેની બ્રેડી હાઉસ શાખામાં લગભગ 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.
આ છેતરપિંડી બેંક દ્વારા જારી કરાયેલા નકલી લેટર ઓફ અંડરટેકિંગ દ્વારા કરવામાં આવી હતી. આ છેતરપિંડી 2011 માં શરૂ થઈ હતી અને સાત વર્ષ (2011-2018) સુધી ચાલુ રહી, જ્યાં સુધી એક નવા કર્મચારીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી નહીં. આ કૌભાંડને કારણે પીએનબીના શેરમાં 40% થી વધુનો ઘટાડો થયો, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું.