October 8, 2024

રાજ્યમાં સૌથી વધુ પાંડુ રોગનું પ્રમાણ મહેસાણામાં, હેલ્થ સરવેમાં ચોંકાવનારું તારણ

મહેસાણાઃ જિલ્લામાં પાંડુ રોગનું પ્રમાણ રાજ્યમાં સૌથી ઊંચું હોવાની વિગત સામે આવી છે. હેલ્થ વિભાગના સરવેમાં મહેસાણા જિલ્લામાં 70 ટકા લોકો પાંડુ રોગથી પીડિત છે. તો 6થી 18 વર્ષના યુવા અને કિશોર વર્ગમાં પાંડુ રોગનું પ્રમાણ 17 ટકાની આસપાસ છે. જિલ્લામાં 6થી 18 વર્ષના 26,808 બાળકોમાં કુપોષણ, પાંડુરોગ, વિટામીનની કમી જોવા મળી છે. તો 18 વર્ષ થી ઉંમરથી મોટી વયના લોકોમાં આ પ્રમાણ 70 ટકા ની આસપાસ છે. ખાસ કરીને પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં આ પ્રમાણ વધુ નોંધાયું છે. ત્યારે આ સ્થિતિના સર્જન માટે ક્યાં કારણો જવાબદાર છે તે શોધવા હવે રિચર્સ ટીમ બનવાઈ છે.

પાંડુ રોગ બીજા શબ્દોમાં કહીએ તો લોહીની ઉણપ અથવા તો એનિમિક જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. માનવ શરીરમાં હિમોગ્લોબિનનું ખૂબ જ મહત્વ છે. જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો ક્યારેક ગંભીર સ્થિતિનું પણ નિર્માણ થઇ શકે છે. ત્યારે મહેસાણા જિલ્લામાં રાજ્યના અન્ય વિસ્તારની તુલનામાં સૌથી વધુ લોકો પાંડુ રોગથી પીડિત હોવાની વિગત સામે આવી છે. આ સ્થિતિમાંથી 6થી 18 વર્ષના બાળકો અને કિશોર પણ બાકાત નથી.

મહેસાણા જિલ્લામાં સરકારી ડેટા મુજબ 70 લોકોમાં લોહીની ઉણપ જોવા મળી છે. બીજી તરફ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં ચકાસણી દરમિયાન બાળકોમાં પણ આ સ્થિતિ જોવા મળી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલથી જુલાઈ ચાર મહિનામાં જિલ્લાની તમામ શાળાઓમાં કરાયેલી આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં 0થી 6 વર્ષ સુધીના 92,648 બાળકોને તપાસવામાં આવ્યાં હતાં. જેમાં 6થી 18 વર્ષની ઉંમરનાં તપાસવામાં આવેલા 82,374 બાળકો પૈકી 14,449 બાળકો માત્ર પાંડુરોગનાં મળી આવ્યાં છે.

મહેસાણા જિલ્લાની આરબીએસકે ટીમ દ્વારા છેલ્લા ચાર મહિનામાં 0થી 6 વર્ષના 92,648 અને 6થી 18 વર્ષની ઉંમરનાં 82,374 બાળકોના આરોગ્યની તપાસ કરાઇ હતી. જેમાંથી 148 બાળકો હૃદયરોગ, ડાઉન સિન્ડ્રોમ, મોતિયો, બધીરતા, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સહિતની જન્મજાત ખામીવાળાં મળી આવ્યાં હતાં. જ્યારે 26,808 બાળકો કુપોષણ, પાંડુરોગ અને વિટામીનની કમીવાળાં મળ્યાં છે. 13,932 બાળકોમાં ચામડી, દાંત અને શ્વસનતંત્રને લગતાં રોગો જોવા મળ્યાં છે. તો 1100 બાળકો વિકાસલક્ષી વિલંબતા એટલે કે લર્નિંગ ડીસઓર્ડર અને રિફેકટીવ એરર ચશ્માની જરૂરિયાતવાળાં મળ્યાં હતાં.

આરોગ્યની તપાસણી કાર્યક્રમમાં 300 જેટલી કિશોરીઓને માસિકધર્મને લગતી તકલીફો મળી હતી. જો કે રાજ્યની તુલનામાં મહેસાણા જિલ્લામાં લોહીની ઉણપની સમસ્યા સૌથી વધુ છે. આ કારણે બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે હવે જિલ્લા પંચાયત દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે એક પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં લોહીની ઉણપની સ્થિતિ સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહી છે. આ સ્થિતિના સર્જન પાછળ કયા પરિબળ જવાબદાર છે તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એક સંશોધન પણ હાથ ધરવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ મહેસાણા જિલ્લામાં 10 સગર્ભા મહિલામાંથી 5 મહિલાઓમાં 9 ટકા કરતાં ઓછું હિમોગ્લોબિન નોંધાયું છે. ત્યારે આ વિષય હવે આરોગ્ય વિભાગ માટે પણ પડકારજનક બની ગયો છે.