November 18, 2024

ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ભાલછેલ ખાતે સભા બાદ ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ: ઇકોઝોનના વિરોધમાં વાંધા અરજી આપવાનો આજે છેલ્લો દિવસ હોવાથી સાસણના ખાતે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સભા અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ત્રણ જીલ્લાના 196 ગામના ખેડૂતો સરપંચો જોડાયા હતા. ઈકો ઝોનના કાળા કાયદાને રદ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાસણ ગીર નજીકના ભાલછેલ ખાતે સભા બાદ સાસણ ફોરેસ્ટ ઓફિસ સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 100 થી વધુ ટ્રેકટરો સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાળા કાયદાને રદ કરવા માંગ કરવામાં આવી હતી.

આંદોલન કરવાની ચેતવણી
ઇકોઝોનની લડતમાં રાજકીય અને ખેડૂત અગ્રણીઓ છેલ્લા બે મહિનાથી ઇકોઝોન રદ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ભાલછેલ ખાતે યોજાયેલી સભામાં આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. જો સરકાર ઇકોઝોનનો કાયદો રદ નહીં કરે તો ખેડૂતોને સાથે રાખી રસ્તા પરની લડાઈ સાથે કાયદાકીય લડાઈ કરવામાં આવશે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

આગામી સમયમાં આંદોલન
મેંદરડા તાલુકાના મોટાભાગના સરપંચો રાજીનામાં આપશે અને સાસણગીરમાં પરમિટથી થતા સિંહ દર્શનને અટકાવવામાં આવશે. તેવા 6 જેટલા મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી હતી.