June 30, 2024

તાજ એક્સપ્રેસના 3 ડબ્બામાં આગ લાગતા મચી દોડધામ: Video

નવી દિલ્હીઃ દિલ્હી અને ઝાંસી વચ્ચે દોડતી તાજ એક્સપ્રેસના ડબ્બામાં સોમવારે સાંજે આગ લાગી હતી. આ ઘટના દિલ્હીના સરિતા વિહારમાં બની હતી. કોચમાં આગ લાગતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. મુસાફરો તેમના સામાન સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને ભાગવા લાગ્યા. ડરના કારણે અન્ય કોચના મુસાફરો પણ બહાર આવી ગયા હતા. માહિતી મળતા જ ડીઆરએમ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્રેનમાં આગને કારણે આ રૂટ પર ચાલતી અન્ય ટ્રેનોના સંચાલનને પણ અસર થઈ છે.

ઉત્તર રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું કે આગ નવી દિલ્હીથી વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી વચ્ચે દોડતી તાજ એક્સપ્રેસના જનરલ કોચમાં લાગી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગે તે પહેલા જ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. સૌ પ્રથમ આગ જનરલ કોચમાં લાગી હતી. આ પછી બંને બાજુના કોચમાં પણ આગ લાગી હતી.

ત્રણ ડબ્બામાં આગ
તેમણે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. હાલ આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. આગમાં કોચ નંબર D3, D4, D2 બળીને ખાખ થઈ ગયા છે. દરમિયાન રેલ્વે ડીસીપીએ જણાવ્યું કે 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કોઈ વ્યક્તિને કોઈ ઈજા કે નુકશાન થયું નથી.

તેમણે જણાવ્યું કે પીસીઆરને સાંજે 4.41 વાગ્યે ટ્રેનમાં આગ લાગવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળ પર જાણવા મળ્યું કે તાજ એક્સપ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બાઓમાં આગ લાગી હતી. ટ્રેનને રોકી દેવામાં આવી છે. કોઈ જાનહાનિ થઈ ન હતી કારણ કે મુસાફરો અન્ય કોચમાં ગયા હતા અને નીચે ઉતરી ગયા હતા. રેલવે દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.