અમેરિકામાં ગેરકાયદેસર ગયેલ મણુદનો પરિવાર પરત આવશે
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Manud.jpg)
ભાવેશ ભોજક, પાટણ: અમેરિકામાં ગેરકાયદેસર ગયેલા ભારતી નાગરિકોને અમેરિકન સરકાર દ્વારા પરત મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે અમેરિકાથી વિમાન મારફતે અનેક લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. જેમાં પાટણ તાલુકાના મણુંદ ગામના દંપતિ અને તેમના બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ લોકોને અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવ્યા છે અને સંભવિત ગુરુવાર સુધી તેઓ પરત માદરે વતન આવશે.
પાટણ જિલ્લાના પાટણ તાલુકાના મણુદ ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી ધંધાર્થે સુરત ખાતે સ્થાયી થયેલા કેતુલ બાબુભાઈ પટેલ સુરતમાં હીરા બજારમાં નોકરી કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરામાં મંદી આવવાને કારણે પરિવારનું ભરણપોષણ કરવામાં ભારે હાલાકીઓ વેઠવીપડતી હતી. ત્યારે સુરત ખાતેનું 55 લાખ રૂપિયાનું મકાન વેચીને કેતુલભાઇ તેમની પત્ની કિરણબેન, પુત્ર મંત્ર અને પુત્રી એની છ મહિના અગાઉ ૫૫ લાખ રૂપિયા ખર્ચીને અમેરિકા ખાતે ગયા હતા અમેરિકા જતા પહેલા તેમના માતા-પિતા સાથે ટેલિફોનિક વાત કરી હતી. ત્યારબાદ છ મહિનાથી માતા-પિતા સાથે કોઈપણ જાતનો સંપર્ક થયો ન હતો. લાખો રૂપિયા ગયા પણ દીકરો અને તેનો પરિવાર હેમખેમ પરત આવી રહ્યો છે તે મહત્વની વાત છે તેમ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.