મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે? જાણો સરકારી પ્રોટોકોલ
Manmohan Singh Death News: દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે દુનિયાને અલવિદા કહ્યું છે. મનમોહન સિંહે ગુરુવારે (26 ડિસેમ્બર) 92 વર્ષની વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી લઈને દેશના અનેક મોટા નેતાઓ અને હસ્તીઓએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે આજે એટલે કે 27મી ડિસેમ્બરના રોજ નિર્ધારિત તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમજ સરકારે મનમોહન સિંહના નિધન પર 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. બીજી તરફ કોંગ્રેસે પણ આજે તેના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યારે થશે, ક્યાં થશે અને કેવી રીતે થશે?
વાસ્તવમાં ડો.મનમોહન સિંહ પૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે ક, મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે એટલે કે 28 ડિસેમ્બરે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આનો અર્થ એ છે કે 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાજ્યમાં શોક રહેશે. કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં સાત દિવસ માટે તેના તમામ સત્તાવાર કાર્યક્રમો પણ રદ કર્યા છે.
આ પણ વાંચોઃ ડૉ. મનમોહન સિંહને BMW પસંદ નહોતી, તેઓ કહેતા – મારી કાર મારુતિ 800 છે
અંતિમ સંસ્કાર ક્યારે થશે?
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે થશે. તેની સત્તાવાર જાહેરાત આજે એટલે કે શુક્રવારે થઈ શકે છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં મીડિયાને કહ્યું, ‘પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે (શનિવારે) કરવામાં આવશે. અમે તેની સત્તાવાર જાહેરાત કરીશું.’
આ પણ વાંચોઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક
અંતિમ સંસ્કાર ક્યાં થશે?
સૂત્રોનો દાવો છે કે, પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીમાં જ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. મોટાભાગે દેશના પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં જ વિશેષ સ્થાન પર થાય છે. જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં જ કરવામાં આવ્યા હતા. જો કે, ઘણા પૂર્વ પીએમ માટે અલગ સમાધિ પણ બનાવવામાં આવી છે. અટલ બિહારી વાજપેયીની સમાધિ ‘સદૈવ અટલ’ તરીકે ઓળખાય છે. જો કે, પૂર્વ પીએમ મનમોહન સિંહના પરિવારની સંમતિથી જ સ્થળની પસંદગી કરવામાં આવશે. ઘણી વખત અંતિમ સંસ્કાર ગૃહ રાજ્યમાં પણ કરવામાં આવે છે. સ્થળ હજુ નક્કી થયું નથી. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવશે તે સ્થળની આજે જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ ‘રિફોર્મ મેન’ મનમોહન સિંહની સંસદમાં 33 લાંબી ઇનિંગ પૂર્ણ, જાણો તેમની રાજનૈતિક સફર
સરકારી પ્રોટોકોલ શું છે?
કોઈપણ પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કારમાં રાજ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. કોઈપણ પૂર્વ વડાપ્રધાનના મૃત્યુ પર અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ શરીરને ભારતના રાષ્ટ્રીય ધ્વજ એટલે કે ત્રિરંગામાં લપેટવામાં આવે છે. તેમજ અંતિમ સંસ્કાર સમયે તેમને 21 તોપોની સલામી આપવામાં આવે છે. એટલું જ નહીં પૂર્વ વડાપ્રધાનના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. મનમોહન સિંહના નિધન પર સાત દિવસના શોકની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. રાષ્ટ્રીય શોક દરમિયાન કોઈ ઉજવણી કે જાહેર કાર્યક્રમો થશે નહીં. અંતિમ દર્શન માટે પ્રોટોકોલ મુજબ અંતિમ વિદાય પણ આપવામાં આવે છે.