July 5, 2024

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મૂઈઝુની પાર્ટીની સંસદીય ચૂંટણીમાં જીત, શું ભારત માટે છે ઝટકો?

Maldives: રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પાર્ટીએ ભારે જીત મેળવી છે. આ સાથે મુઈઝુએ સંસદ પર નિયંત્રણ મેળવી લીધું. માલદીવના ચૂંટણી પંચના ચૂંટણી ડેટા અનુસાર, મુઈઝુ પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) એ જાહેર કરેલી પ્રથમ 86 બેઠકોમાંથી 66 બેઠકો જીતી હતી. 93-સભ્યોની મજલિસ અથવા સંસદમાં સુપર-બહુમત માટે આ પહેલેથી જ પર્યાપ્ત કરતાં વધુ છે.

માલદીવમાં રવિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી મતદાન થયું હતું. માલદીવના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મત આપવા માટે લાયક 2,84,663 લોકોમાંથી 2,07,693 લોકોએ પોતાનો મત આપ્યો. મતદાનની ટકાવારી 72 ટકા રહી હતી. માલદીવના રિસોર્ટ જેલ અને ઔદ્યોગિક ટાપુઓ પર પણ મતદાન થયું હતું. માલદીવની ચૂંટણી માટે ભારતમાં તિરુવનંતપુરમ, શ્રીલંકાના કોલંબો અને મલેશિયાના કુઆલાલંપુરમાં પણ મતદાન થયું હતું. માલદીવની 93 સંસદીય બેઠકો માટે છ પક્ષોના 368 ઉમેદવારો મેદાનમાં હતા. તેમાં મુઈઝુની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી સહિત 130 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

એક રિપોર્ટ અનુસાર આ ચૂંટણી રાષ્ટ્રપતિ મુઈઝુના છ મહિનાના કાર્યકાળની કસોટી હતી. મુઈઝુ સપ્ટેમ્બર 2023માં ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવીને દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. આ પછી બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા. માલદીવમાં વિપક્ષ ભારત સાથે સારા સંબંધોની માંગ કરે છે, જ્યારે શાસક ગઠબંધન વિદેશ નીતિમાં ભારત કરતાં ચીનને વધુ મહત્વ આપે છે.

ભારત તરફી ગણાતી વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીને માલદીવની સંસદમાં બહુમતી હતી. આ જ કારણ હતું કે મુઈઝુને સંસદમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે સંસદીય ચૂંટણીમાં મુઈઝુની પાર્ટીની જીત ભારતની ચિંતામાં વધારો કરશે. એવી આશંકા છે કે હવે માલદીવમાં ચીનનો પ્રભાવ વધી શકે છે, કારણ કે મુઈઝુની પાર્ટી સંસદમાં બહુમત હોવાને કારણે સરકાર માટે નીતિ વિષયક નિર્ણયો લેવામાં સરળતા રહેશે.