December 18, 2024

ઉનાળાની રજાઓમાં બાળકો માટે બનાવો આ મીઠાઈ

અમદાવાદ: હાલ વેકેશનની મોસમ ચાલી રહી છે. મોટા ભાગના બાળકો પોતાના ઘરે અથવા તો મામાના ઘરે પહોંચી ગયા છે. જ્યારે બાળકો ઘરે રહે છે ત્યારે માતાઓ તેમના માટે અલગ અલગ વાનગીઓ બનાવતી હોય છે. તેમાં પણ બાળકો માટે મીઠાઈ સૌથી પ્રિય વસ્તુ છે. એક તો ઉનાળાની રજાઓ છે અને તેમાં પણ જો તેમને ઘરે બનેલી મીઠાઈ ખાવા મળી જાય એટલા બાળકો માટે તો ચાંદી જ ચાંદી. આજે એવી જ કેટલીક સરળ વાનગીઓની રેસિપી લઈને આવ્યા છીએ.

મખાનાની ખીર બનાવો
ખીર બનાવવા માટે મખાના સિવાય, કાજુ, પિસ્તા, બદામ, કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સ એકત્રિત કરો. આ સાથે દૂધ, ખાંડ અને થોડું દેશી ઘી, મિલ્કમેડ અને લીલી ઈલાયચી પાવડર.

ખીર બનાવવાની પદ્ધતિ
સૌથી પહેલા એક ચમચી દેશી ઘીમાં મખાના નાખીને શેકી લો. એ બાદ ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સને પણ શેકી લો. એક બાજુ દૂધને ધીમી આંચ પર ચઢવા દો. દૂધ બરાબર ઉકળી જાય એટલે તેમાં મખાના ઉમેરો. હવે તેમાં બાકીના ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરો. મિલ્કમેઇડ અને એલચી પાવડર ઉમેરો અને 5 થી 7 મિનિટ સુધી પકાવો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ મખાનાની ખીર. તમે મિલ્કમેઇડને છોડી શકો છો અને તેના બદલે દૂધને સારી રીતે રાંધી શકો છો જેથી તે ઘટ્ટ થઈ જાય.

શ્રીખંડ
શ્રીખંડએ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોની પ્રખ્યાત પરંપરાગત સ્વીટ ડીશ છે. ઉનાળામાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને તેને બનાવવામાં વધારે ઝંઝટ પણ નથી.

શ્રીખંડ બનાવવાની રીત
સૌ પ્રથમ દહીંને મલમલ અથવા કોઈપણ સ્વચ્છ હળવા વજનના કપડામાં બાંધો અને ઓછામાં ઓછા એક કલાક માટે તેને યોગ્ય જગ્યાએ લટકાવી દો. ત્યાં સુધી તમે તમારા ઘરનું બાકીનું કામ પૂર્ણ કરી શકો છો. જ્યારે દહીનું બધુ પાણી નીતરી જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી તેમાં ઈલાયચી પાવડર નાખીને બરાબર ફેટી લો. આનાથી દહીં એકદમ સ્મૂથ બની જશે. જો તમે ઇચ્છો તો તમે તેમાં કેસરના થોડા દોરા ઉમેરી શકો છો અને સ્વાદને વધારવા માટે કેટલાક બદામ ઉમેરી શકો છો.