November 26, 2024

પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ 23 લોકોને બસમાંથી ઉતારી હત્યા કરી નાખી

Pakistan Terrorist Attack: પાકિસ્તાનમાં વધુ એક મોટો આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં પંજાબના ઓછામાં ઓછા 23 લોકોની હત્યા કરી નાખી છે. પાકિસ્તાની અખબાર ડૉનએ એક અધિકારીને ટાંકીને કહ્યું કે આતંકવાદીઓએ મુસાફરોને બસમાંથી ઉતારી દીધા અને પછી તેમની ઓળખ તપાસ્યા બાદ તેમને ગોળી મારી દીધી. પાકિસ્તાની મીડિયાએ આસિસ્ટન્ટ કમિશનર મુસાખેલ નજીબ કાકરના હવાલાથી જણાવ્યું હતું કે હથિયારધારી લોકોએ મુસાખેલના રારાશમ જિલ્લામાં હાઈવે બ્લોક કરી દીધો હતો અને મુસાફરોને બસમાંથી ઉતારપી ગોળી મારી દીધી હતી.

પંજાબના લોકોને નિશાન બનાવ્યા
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મોટાભાગના મૃતકોની ઓળખ પંજાબના લોકો તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હથિયારધારી લોકોએ 10 વાહનોને પણ આગ લગાવી દીધી હતી. તે સ્પષ્ટ છે કે મુસાખેલમાં આ આતંકવાદી હુમલો પંજાબના લોકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં બંદૂકધારીઓએ નોશકી નજીક બસમાંથી નવ મુસાફરોને ઉતાર્યા હતા અને તેમના આઈડી કાર્ડની તપાસ કર્યા પછી ગોળી મારીને હત્યા કરી હતી.

આ પણ વાંચો: કરજણ ડેમનાં 5 ગેટ ખોલી 80 હજાર ક્યુસેક પાણી છોડાયું, 150 જેટલી ભેંસોનું રેસ્ક્યું કરાયું

અગાઉ પણ આતંકવાદી હુમલા થયા હતા
અત્રે એ પણ જણાવી દઈએ કે આ પ્રકારનો હુમલો પહેલીવાર નથી થયો. ગયા વર્ષે ઓક્ટોબરમાં, બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં સ્થિત તુર્બતમાં અજાણ્યા બંદૂકધારીઓએ પંજાબના છ મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી. આવી જ ઘટના 2015માં બની હતી, જ્યારે બંદૂકધારીઓએ તુર્બત નજીક કામદારોના કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં 20 બાંધકામ કામદારો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.