November 22, 2024

સીકરમાં મોટી દુર્ઘટનાઃ બ્રિજ સાથે બસ અથડાતા 12 લોકોના મોત, 3 ડઝનથી વધુ લોકો ઘાયલ

Road accident in Sikar: રાજસ્થાનના સીકરમાં એક મોટો અકસ્માત થયો છે. સાલાસર તરફથી આવતી બસ બ્રિજ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત અને ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત લક્ષ્મણગઢ પાસે થયો હતો. ઘણા મુસાફરોની હાલત નાજુક છે. ઘાયલોને લક્ષ્મણગઢ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. લક્ષ્મણગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના લક્ષ્મણગઢમાં બપોરે 2:00 વાગ્યે બની હતી, જ્યારે સાલાસરથી આવતી એક ખાનગી બસ કાબૂ બહાર ગઈ હતી અને બ્રિજ સાથે અથડાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ભુવન ભૂષણ યાદવે જણાવ્યું કે અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા છે, જેમને લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “સીકરના લક્ષ્મણગઢ વિસ્તારમાં બસ દુર્ઘટનામાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી ઊંડી સંવેદના મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.” મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.