June 30, 2024

વધુ એક મોટી દુર્ઘટના ટળી, Kedarnathમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ

કેદારનાથ : ઉત્તરાખંડના બાબા કેદારનાથ ધામમાં આજે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. ધામમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જેમાં કેટલાક ભક્તો બેઠા હતા. હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.

મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરનું રુડલ ખરાબ થઇ ગયું હતું. જેના કારણે હેલિકોપ્ટર દૂર સુધી લઈ જઈ શકાયું ન હતું. જોકે, નજીકમાં એક હેલિપેડ હતું. પછી પાઇલટે સમજદારીપૂર્વક ખાલી જગ્યાની શોધ કરી. ત્યારબાદ હેલિકોપ્ટરનું ત્યાં સુરક્ષિત લેન્ડિંગ થયું. જોકે, થોડે દૂર એક ખાડો હતો. આ દરમિયાન હેલિકોપ્ટરમાં બેઠેલા ભક્તો તેમની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા.

હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ થયું
હેલિકોપ્ટરના સુરક્ષિત ઉતરાણ બાદ યાત્રાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ભક્તોએ પણ પાયલોટનો આભાર માન્યો હતો. તેમજ ચિંતા વ્યક્ત કરી હતી કે ઉડાન પહેલા હેલિકોપ્ટરની ટેકનિકલ ખામીઓ તપાસવી જોઈતી હતી. કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા હંમેશા જોખમી રહી છે. છેલ્લા 11 વર્ષમાં કેદારનાથમાં આવા 10 અકસ્માતો થયા છે.

આ પણ વાંચો: ભૂલું પડ્યું યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર, જાણો સમગ્ર ઘટના

રજીસ્ટ્રેશન 31મી મે સુધી બંધ
ચાર ધામ યાત્રા 10મી મેથી શરૂ થશે. જો કે ચાર ધામ યાત્રા માટે 31 મે સુધી ઑફલાઇન રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ છે. જેના કારણે હજારો શ્રદ્ધાળુઓ એવા છે જેઓ ઋષિકેશ-હરિદ્વારમાં અઠવાડિયાથી તેમના રજિસ્ટ્રેશનની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેમનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું નથી. ભક્તોનું કહેવું છે કે અઠવાડિયાથી તેઓ આશા રાખતા હતા કે તેઓ બાબા કેદારનાથના દર્શન કરશે. પરંતુ આ આશા ઠગારી નીવડી રહી છે. હાલમાં દરરોજ 25 હજારથી વધુ ભક્તો ધામમાં પહોંચી રહ્યા છે. ભક્તોને ધામ સુધી લઈ જવા માટે 9 હેલિકોપ્ટર કંપનીઓ સતત તૈનાત છે.

હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા. આજે સવારે 7 વાગે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. કેદારનાથ ધામથી 100 મીટર પહેલા ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.