લુણાવાડાના પાલિકા પ્રમુખ પર ગંભીર આક્ષેપ, પૂર્વ હોદ્દેદારે વીડિયો જાહેર કર્યો

મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આડકતરી રીતે બીજેપીના જ પૂર્વ હોદ્દેદારે ગંભીર આરોપ લગાવ્યા છે. મહીસાગર જિલ્લા બીજેપી યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરેશગીરી ગોસ્વામીએ સોશિયલ મીડિયામાં આ મામલે પોસ્ટ કરી છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વીડિયો મૂકી અને નગરપાલિકામાં ચાલી રહેલી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. સુરેશગીરી હાલ બીજેપીના સભ્ય છે. તેમણે વીડિયોમાં જણાવ્યુ છે કે, વેપારી માનસિકતાવાળા લોકો જ્યારે પ્રમુખ પદ ઉપર બેસી જાય છે, ત્યારે તેનું વિપરીત પરિણામ જોવા મળતું હોય છે. સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી લાગવગ લગાવી અને પ્રમુખ પદે બેસી જાય છે.
તેઓ વધુમાં જણાવે છે કે, પ્રમુખ પદે બેસી ગયા પછી મની પાવર કઈ રીતે વધારવો તે દિશામાં વિચારતા હોય છે. રીંગ બનાવી અને મળતીયાઓને કામ આપવું એ જ સેમ પ્રોસેસ આ વખતે પણ થઈ હતી. કોંગ્રેસ જે પ્રણાલીથી કામ વર્ષોથી કરતી આવી હતી તે પ્રમાણે હાલ પણ કામ થઈ રહ્યું છે. કોઈ ફરક પડ્યો નથી.
અમે પ્રમુખ તરીકે તેમને સ્વીકારી લીધા પરંતુ ખોટું કરવાની વાત આવશે તો અમે તમને સ્વીકારીશું નહીં. વિચારધારાથી વિપરીત લોકો બેસી ગયા છે એટલે આવું થાય છે. ટેન્ડરિંગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થાય છે અને મળતીયાઓને કામ મળતો હોવાનો પણ લગાવ્યો આરોપ લગાવ્યો છે. કોન્ટ્રાક્ટર રણ કમાય અને નેતા પણ કમાય… જનતા ભીખ માંગે. આમાં લાખો-કરોડોનું કૌભાંડ થાય છે. આમાં ભાજપની વિચારધારાવાળો કોઈ નથી કમાતો.
તેઓ વધુમાં આક્ષેપ કરતા કહે છે કે, એક કોર્પોરેટરના દીકરાની ઓફિસમાં બેસી અને ડીલ થાય અને ત્યાં ટેન્ડર ખોલાય છે. નગરપાલિકામાં ખુલવાનું ટેન્ડર કઈ જગ્યાએ ખુલે છે તે સમજવા જેવું છે.
વીડિયોના માધ્યમથી કામગીરી પર કરવામાં આવેલા સવાલ મામલે યુવા મોરચાના પૂર્વ મંત્રીએ લગાવેલા આક્ષેપને લુણાવાડા નગરપાલિકા પ્રમુખે ફગાવ્યા છે. આ મામલે લુણાવાડા પાલિકા પ્રમુખ કીર્તિ પટેલે જણાવ્યું છે કે, અંગત વ્યક્તિઓને ટેન્ડર આપ્યા હોવાના આક્ષેપ પાયાવિહોણા છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક છે. સુરેશગીરી ગોસ્વામી જો સાબિત કરીને બતાવે તો હું જાહેર જીવન છોડી દઈશ. ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક અને સભ્યોની સહી કરી બાદ કરવામાં આવે છે.