June 24, 2024

લુણાવાડામાં કેનાલમાં ગાબડું પડતા તળાવ સ્વિમિંગપુલ બન્યાં, ખેડૂતો લાચાર

કૌશિક જોષી, મહિસાગરઃ જિલ્લાના લુણાવાડા તાલુકામાં અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ લિકેજના કારણે ખેતરો તળાવ બન્યાં છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીં ખેતી માટે જરૂરી પાણી કડાણાની ડાબા કાંઠાની કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે. પરંતુ વર્ષો પહેલા બનાવમાં આવેલી આ કેનાલ હવે સમારકામ માગે છે. કેનાલમાં ઠેર ઠેર લીકેજ છે. તો વળી ઘાસચારો ઉગી નીકળ્યો છે. સાફ-સફાઈનો પણ અભાવ છે. કેનાલની સાઇડનું પ્લાસ્ટર નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે. ખેતરો જાણે તળાવ હોય તેમ ચારેબાજુ પાણી પાણી ફરી વળે છે. હવે આવામાં પાક તો શું પાકે, ખેડૂતોએ કરેલી મહેનત પર પણ પાણીમાં ફરી વળે છે. આ સમસ્ કેનાલ બની ત્યારથી છે.

આ ત્રણ ગામોને સિંચાઈ આપતી કડાણાની ડાબા કાંઠાની કેનાલમાં ઠેર-ઠેર પ્લાસ્ટર ઉખડી ગયેલું છે. કેનાલમાં ઘાસ પણ એટલી હદે છે કે, ક્યારે સાફ કરવામાં આવી હશે તે પણ અંદાજ લગાવી શકાય એમ નથી.

ખેતરો જાણે મિનિ સ્વિમિંગપુલ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોનો ઉભો પાક વધારે પાણીને કારણે કહોવાઈ ગયો છે. ખેડૂતોએ મોટી આશા રાખીને મગની ખેતી કરી હતી. પરંતુ સિંગો બેસે તે પહેલાં પાક કહોવાઈ ગયો છે. ગ્રામજનો કહે છે કે, મહામહેનતે કરેલી ખેતી એળે ગઈ છે. આ કેનાલ બની ત્યારથી દરેક સિઝનમાં આવું થાય છે. અમે કોઈ પણ પાક નથી લઈ શકતા. અધિકારીઓને જાણ કરી તો આશ્વાસન સિવાય કંઈ મળતું નથી. કોઈ જોવા પણ આવતા નથી. અમારું કોઈ સાંભળતું નથી.

એક ખેડૂતે તો ત્યાં સુધી કીધું કે, હવે અમે કેનાલ જ પૂરી દઈ આગળ પાણી નહીં જવા દઈએ એટલે એના કારણે તો અધિકારીઓ આવે. બાકી અમારા ત્રણ ગામની થઈને 50 એકર જેટલી જમીનમાં પાક નિષ્ફળ ગયો છે, એનું વળતર કોણ આપશે? કેનાલ અને એમાંથી નીકળતી પેટાકેનાલ બંનેમાં સારું ચણતર કામ થયેલું નથી જેને લઈને વારંવાર લીકેજ થાય છે.