September 22, 2024

મહેસાણાની પેપર મિલમાં ભીષણ આગ, કારણ અકબંધ

મહેસાણાઃ જિલ્લામાં અગમ્ય કારણોસર પેપર મિલમાં લાગવાની ઘટના સામે આવી છે. કડી તાલુકાના ઝુલાસણમાં આવેલી એટેન પેપર મીલમાં આગ લાગી છે.

એટેન પેપર મીલમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગતા કિલોમીટરો સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાને કારણે કંપનીમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આગ લાગવાની જાણ થતાં જ કંપની દ્વારા કડી, કલોલ તેમજ મહેસાણા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવાતા મોટી જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે.