મહાકુંભની ઘટના પર ભાવુક થયા CM યોગી, આંખોમાંથી આંસુ આવી ગયા

Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને ઘટનાનું વર્ણન કરતી વખતે તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “મૌની અમાવસ્યા પર પવિત્ર ડૂબકી લગાવવા માટે ગઈકાલે સાંજે 7 વાગ્યાથી પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. અખાડા માર્ગ પર એક કમનસીબ ઘટના બની જેમાં 90થી વધુ લોકો ઘાયલ થયા અને 30 લોકોના મોત થયા, 36 લોકો પ્રયાગરાજમાં સારવાર હેઠળ છે.

અખાડા રોડ પર ભીડે બેરિકેડ તોડી નાખ્યા હોવાથી આ ઘટના બની હતી. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ગત રાત્રે મહાકુંભમાં 30 શ્રદ્ધાળુઓના મોતની ઘટનાની તપાસ જ્યુડિશિયલ કમિશન કરશે. ત્રણ સભ્યોની સમિતિ તપાસ કરશે અને રિપોર્ટ રજૂ કરશે. આ દરમિયાન સીએમ યોગી પણ ભાવુક થઈ ગયા.

ઘટના દુર્ભાગ્યપૂર્ણ
યોગી આદિત્યનાથે કહ્યું, “આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક છે. તેમના તમામ પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના… અમે મેળા વહીવટીતંત્ર, પોલીસ, NDRF, SDRF સાથે સતત સંપર્કમાં છીએ… ત્યાં શક્ય તેટલી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.” આના પરિણામે, ઘટનાના થોડા જ સમયમાં ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, કમનસીબે આ મૃત્યુ થયા છે… સ્વાભાવિક રીતે, આ બધા મુદ્દાઓ પર પ્રશ્નો ઉભા થશે.