February 24, 2025

મહાકુંભમાં કંપનીઓએ બ્રાન્ડિંગ પાછળ ખર્ચ્યા 5 હજાર કરોડ! મોટી કંપનીઓ પણ લાઇનમાં

Mahakumbh 2025: પ્રયાગરાજમાં યોજાયેલો કુંભ એક આસ્થાનો મહોત્સવ તો છે, સાથે જ દેશ-વિદેશની મોટી કંપનીઓ માટે બ્રાન્ડિંગનો સુવર્ણ અવસર પણ બની ગયું છે. એક અહેવાલ મુજબ, આ મહાકુંભ દરમિયાન કંપનીઓએ તેમની બ્રાન્ડ્સની જાહેરાત અને પ્રમોશન માટે આશરે ₹5000 કરોડ ખર્ચ્યા છે. ગયાકુંભ કરતા આ આંકડો ચાર ગણો વધી ગયો છે. કંપનીઓ માટે આ માત્ર ધાર્મિક મેળો નહીં, પણ કરોડો શ્રદ્ધાળુઓ સુધી તેમની ઓળખ પહોંચાડવાનો મોટું પ્લેટફોર્મ બની ગયો છે.

બ્રાન્ડિંગ માટે પાણીની જેમ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. ITC, કોકા કોલા, પેપ્સીકો, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી ગ્રુપ, રિલાયન્સ ગ્રુપ જેવી દિગ્ગજ બ્રાન્ડ્સ પણ આ મેદાનમાં આવી ગઈ છે. પોલીસ ચોકીઓ, ઘાટ, બેરિકેડ, વોચ ટાવર, ચેન્જિંગ રૂમ, પાર્કિંગ દરેક જગ્યાએ બ્રાન્ડિંગ માટે કરોડોની હોડ જોવા મળી છે. યુનિપોલ, હોર્ડિંગ્સ, લક્ઝરી ટેન્ટ અને ફુગ્ગા ઉડાવવાની જાહેરાતો માટે પણ ભારે માગ જોવા મળી છે, જેના કારણે ભાડાં આસમાને પહોંચી ગયા છે.

સેવાભાવે પણ CSR ભંડોળનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર પ્રચાર જ નહીં, અદાણી અને અંબાણી જૂથ જેવી મોટી કંપનીઓએ શ્રદ્ધાળુઓ માટે મફત ભંડારા, ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટ સેવાની પણ વ્યવસ્થા કરી આપી છે. આ સેવાઓ બ્રાન્ડિંગ માટેનો એક અનોખો માર્ગ બની રહી છે, જ્યાં ધાર્મિક મહોત્સવ અને બિઝનેસ એક સાથે આગળ વધી રહ્યાં છે. મહાકુંભ 2025એ સાબિત કર્યું કે હવે માત્ર શ્રદ્ધા નહીં પણ માર્કેટિંગ માટે પણ આ એક તક બની ગઈ છે.