September 20, 2024

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, એપોલોના ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં કરાયા દાખલ

દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને આજે સવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અડવાણીને ઇન્દ્રપ્રસ્થ ખાતે આવેલ એપોલો હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂરોસર્જન ડૉ. વિનીત સૂરીના નેતૃત્વમાં ડોક્ટર્સની એક ટીમ તેમની સારવાર કરી રહી છે.

એપોલોએ સિનિયર નેતા અડવાણીના સ્વાસ્થ્યને લઈને માહિતી આપતા જણાવ્યું છે કે તેમની તબિયત હાલ સ્થિર છે અને ડોક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. 96 વર્ષીય અડવાણી ઉંમરને લઈને થતી આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ તેમની તબિયત બગાડતાં તેમને દિલ્હી એઇમ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણીનું આ વર્ષે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. અડવાણી પોતાની નાદુરસ્ત તબિયતને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યા. તેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 30 માર્ચે તેમના નિવાસસ્થાને જઈને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણીના પરિવારના સભ્યોએ ઔપચારિક સમારોહમાં હાજરી આપી હતી.