November 29, 2024

પૂર્વ યુગાન્ડામાં ભૂસ્ખલને મચાવી તબાહી, 15 લોકોના મોત 113 ગુમ

Uganda: પૂર્વ યુગાન્ડામાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. છ ગામોમાં ભૂસ્ખલનને કારણે 15 લોકોના મોત થયા છે. 113 લોકો હજુ પણ ગુમ છે. 15 લોકોને બચાવી લેવાયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જીવ ગુમાવનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

કાદવ અને વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી
બુલમ્બુલી જિલ્લો રાજધાની કમ્પાલાથી લગભગ 280 કિલોમીટર પૂર્વમાં છે. એસોસિએટેડ પ્રેસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે બચાવ કાર્યમાં મદદ માટે ભારે મશીનો તૈનાત કરવામાં આવશે. પરંતુ, રસ્તાઓ પર કાદવ અને વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક અહેવાલ મુજબ, અત્યાર સુધી જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં મોટાભાગના બાળકોના છે.

ભૂસ્ખલનથી લગભગ 50 એકર વિસ્તારમાં તબાહી થઈ છે. યુગાન્ડાના વડા પ્રધાન કાર્યાલયે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ભૂસ્ખલન વિશે માહિતી આપી હતી. ચેતવણી જાહેર કરીને વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ભારે વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે. નાઇલ નદી પર બચાવ કામગીરી દરમિયાન બુધવારે બચાવ કામગીરીમાં લાગેલી બે બોટ પલટી ગઈ હતી.

આ પણ વાંચો: મસ્જિદ કે હરિહર મંદિર? સર્વે રિપોર્ટ આજે રજૂ થશે, હાઈ એલર્ટ પર સંભલ