January 3, 2025

વૈષ્ણોદેવી પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન, 2 મહિલા શ્રદ્ધાળુના મોત: ત્રણ ઘાયલ

Vaishno Devi Landslide: વૈષ્ણો દેવી પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન થયું છે. આ ઘટના વોકિંગ રૂટ પર હિમકોટી પાસે બની હતી. જેમાં 2 મહિલા શ્રદ્ધાળુના મોત થયા, જ્યારે અન્ય ત્રણ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ફૂટપાથ પર બનાવેલ ટીન શેડ ભૂસ્ખલન બાદ તૂટી ગયો હતો.

ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું, જેથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય. ઘાયલ શ્રદ્ધાળુઓને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી હતી અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અસ્થાયી ધોરણે અવરજવર અટકાવાઇ
વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સતર્ક રહેવા અને રૂટની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવાની અપીલ કરવામાં આવી છે. ભૂસ્ખલનને કારણે યાત્રાના રૂટ પરની અવરજવર અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે, અને સંબંધિત અધિકારીઓને રસ્તો ખોલવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે બપોરે લગભગ 2.35 વાગ્યની આસપાસ બિલ્ડિંગથી ત્રણ કિમી આગળ પંછી પાસે ભૂસ્ખલન થયું, જેના કારણે ઉપરના લોખંડના માળખાનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. ભૂસ્ખલન બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

શક્તિપીઠમાંથી એક વૈષ્ણો દેવી મંદિર
વૈષ્ણો દેવી મંદિર દેવી દુર્ગાને સમર્પિત 108 શક્તિપીઠોમાંનું એક છે. ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ તીર્થસ્થાનોમાંનું એક ધાર્મિક સ્થળ માનવામાં છે. નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ભક્તોની સંખ્યા એક કરોડ સુધી પહોંચી જાય છે. વૈષ્ણો દેવી મંદિર ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાંનું એક છે. વૈષ્ણો દેવી મંદિરનું સંચાલન અને વહીવટ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. તેના બોર્ડમાં નવ સભ્યો હોય છે.