December 21, 2024

કિર્ગિસ્તાનમાં વિદ્યાર્થીઓ પર હુમલા મામલે ભારતીય વિદેશમંત્રીએ કહ્યુ – ઘરમાં જ રહો

કિર્ગિસ્તાનની રાજધાનીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતે ભારતીય વિદ્યાર્થીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. આ સાથે કિર્ગિસ્તાનમાં ભારતીય દૂતાવાસે શનિવારે વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપી હતી. નોંધનીય છે કે, કિર્ગિસ્તાનમાં લગભગ 14,500 ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.

કિર્ગિસ્તાને કહ્યું – પરિસ્થિતિ નિયંત્રણમાં
કિર્ગીઝ વિદેશ મંત્રાલયે કહ્યું કે, કાયદા અમલીકરણ એજન્સીઓએ ઘટનામાં સામેલ વ્યક્તિઓ, વિદેશી નાગરિકો અને કિર્ગીઝ નાગરિકોને અટકાયતમાં લેવા માટે તાત્કાલિક પગલાં લીધા છે. સ્થિતિ નિયંત્રણમાં છે. હિંસામાં કોઈ વિદેશી નાગરિક ઘાયલ થયાના અહેવાલ નથી.

વિદેશ મંત્રીએ કહ્યું – અમે નજર રાખી રહ્યા છીએ
કિર્ગિસ્તાનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર કહ્યું કે, અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. સ્થિતિ શાંત છે. છતાં સાવચેતીના ભાગ રૂપે વિદ્યાર્થીઓને હાલમાં ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ કટોકટીના કિસ્સામાં એમ્બેસીનો સંપર્ક કરો. અમારો 24*7 સંપર્ક નંબર 0555710041 છે. વિદેશ મંત્રી એસ જયશંકરે દૂતાવાસની પોસ્ટ શેર કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓના કલ્યાણ પર નજર રાખવામાં આવી રહી છે.

પાકિસ્તાને પણ ચિંતા વ્યક્ત કરી છે
આ ઉપરાંત ભારતની જેમ પાકિસ્તાને પણ પોતાના વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવાની સૂચના આપી છે. પાકિસ્તાની મિશન અનુસાર, બિશ્કેકમાં મેડિકલ યુનિવર્સિટીની કેટલીક હોસ્ટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ રહે છે. પાકિસ્તાન એમ્બેસીએ એડવાઈઝરીમાં કહ્યું કે, 13 મેના રોજ કિર્ગીઝ અને ઈજિપ્તના વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના કારણે હિંસા વધુ ભડકી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે બિશ્કેકની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બિશ્કેકમાં તૈનાત રાજદૂતને વિદ્યાર્થીઓને તમામ જરૂરી મદદ અને સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.