Kuwait આગમાં ભડથું થયેલા 45 ભારતીયોના મૃતદેહ સાથે હર્ક્યુલસ વિમાન ભારત આવવા રવાના
નવી દિલ્હીઃ કુવૈતમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 લોકોની ઓળખ ભારતીય તરીકે થઈ ચૂકી છે. મૃતકોમાં ત્રણ ઉત્તર પ્રદેશના, 24 કેરળના, 7 તમિલનાડુના અને 3 આંધ્રપ્રદેશના હતા. ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન C-130J 45 મૃત ભારતીયોના મૃતદેહોને લઈને કોચી આવી રહ્યું છે.
દૂતાવાસે કહ્યુ હતુ કે, વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ પણ આ જ વિમાન દ્વારા પરત ફરી રહ્યા છે. કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન ટૂંક સમયમાં પહોંચશે. આ સંદર્ભે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.
વાયુસેનાનું સુપર હર્ક્યુલસ વિમાન 45 મૃતદેહો લઈને કુવૈતથી રવાના થયું છે. પહેલા આ પ્લેન કેરળના કોચીમાં લેન્ડ થશે. કારણ કે, મોટાભાગના મૃતકો ત્યાંના હતા. આ પછી પ્લેન દિલ્હી આવશે. અહીંથી મૃતદેહોને સંબંધિત રાજ્યોમાં મોકલવામાં આવશે.
અત્યાર સુધીમાં 48 મૃતદેહોની ઓળખ થઈ
વારાણસીના માધવ સિંહ, ગોરખપુરના જયરામ ગુપ્તા અને અંગદ ગુપ્તા તરીકે ઓળખ થઈ છે. ત્યારે આંધ્રપ્રદેશના મૃતકોમાં શ્રીકાકુલમ જિલ્લાના ટી લોકાનંદમ, એમ સત્યનારાયણ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એમ એશ્વરુડુની ઓળખ કરવામાં આવી છે. આરબ ટાઇમ્સે કુવૈતના નાયબ વડાપ્રધાન શેખ ફહદ અલ-યુસેફ અલ-યુસેફને ટાંકીને જણાવ્યું હતું કે, અધિકારીઓએ અત્યાર સુધીમાં 48 મૃતદેહોની ઓળખ કરી છે. કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં સાત માળની ઈમારતમાં થયેલા અકસ્માતમાં 49 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કેરળ સરકારે મદદની જાહેરાત કરી
કેરળ સરકારે દરેક પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ દરમિયાન ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધનસિંહ કુવૈત પહોંચી ગયા છે. ત્યાં તે ઘાયલોને મળ્યા હતા. સ્થાનિક અધિકારીઓ સાથે મળીને મૃતદેહોને ભારત લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મૃતદેહોની ઓળખ કર્યા પછી કુવૈત પ્રશાસને વચન આપ્યું હતું કે, તે ઝડપથી અકસ્માતની તપાસ કરશે અને મૃતદેહોને પરત મોકલવામાં સંપૂર્ણ મદદ કરશે. બિલ્ડિંગમાં 196 કામદારોને રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. એક દિવસ પહેલા આ સંખ્યા 160 હોવાનું કહેવાય છે.
અલ-યાહ્યાએ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે મુલાકાત કરી હતી. અલ-યાહ્યાએ સંપૂર્ણ સહયોગનું વચન આપ્યું હતું. તેઓ પહેલા નાયબ વડાપ્રધાન શેખ ફહાદને પણ મળ્યા હતા. તેમણે દેશના અમીર વતી પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શેખ ફહાદે પણ શક્ય તમામ મદદની ખાતરી આપી છે.