કચ્છ યુનિવર્સિટીમાં નોન-ટીચિંગ ભરતી કૌભાંડ મામલે તપાસ ટીમના ધામા
કચ્છઃ કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ ભરતી કૌભાંડનો મામલો ગરમાયો છે. ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ થયેલી ફરિયાદને આધારે તપાસ ટીમે યુનિવર્સિટીમાં ધામા નાંખ્યા છે.
નોન ટીચિંગ સ્ટાફની 28 પદ પૈકીની માત્ર 5 પદ પર ગેરકાયદેસર નિમણૂક અંગે ફરિયાદ થઈ હતી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એમ.એન.કોલેજ, વિસનગરના આચાર્ય ડો. આર.ડી.મોઢના અધ્યક્ષસ્થાને બનેલી તપાસ સમિતી કચ્છ યુનિવર્સીટી ખાતે પહોંચી તપાસ આદરી હતી.
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્સન ઓફિસર ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. નોન ટીચિંગ સ્ટાફ માટે થયેલી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ, નિયમોનું ઉલ્લંઘન કરી લેવાયેલી લેખિત પરિક્ષા, ભરતીની બેઠકો ફાળવવામાં ગેરરીતિ સહિતના મુદે કચ્છ સહિત રાજ્યમાંથી વ્યાપક ફરિયાદો ઉઠતા તપાસ કરવામાં આવી છે.
કચ્છ યુનિવર્સિટી કેમ્પસ શ્રી આર.આર.લાલન કોલેજ ખાતે ફરિયાદીઓને આધાર પુરાવા સાથે ફરિયાદ સંદર્ભે નિવેદન માટે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થામાં ગેરરીતિ તપાસના પગલે યુનિવર્સિટીમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.