June 30, 2024

કચ્છના નાના રણમાં ખૂની ખેલ ખેલનારા 16 આરોપી 7 દિવસના રિમાન્ડ પર

ભચાઉઃ તાલુકાના શિકારપુર નજીક જોધપરવાંઢથી કાનમેરના નાના રણમાં મીઠાની જમીનનો કબજો મેળવવા માટે બે જૂથો વચ્ચે ખૂની ખેલ ખેલાયેલો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેનો પડઘો સમગ્ર રાજ્યમાં પડ્યો હતો. નાના રણમાં મીઠાની જમીન મેળવવા બંદૂકના ભડાકે ખેલાયેલાં ખૂની ખેલમાં પોલીસે 17માંથી 16 આરોપીની વિધિવત ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પૂર્વ કચ્છ પોલીસે જાહેર કર્યું છે કે, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે સ્પેશિયલ બ્રાન્ચ ઉપરાંત વિવિધ પોલીસ સ્ટેશનના 12 પીઆઈ અને પીએસઆઈની અલગ અલગ ટીમો બનાવેલી હતી. પોલીસે ઝડપેલાં આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી ક્રેટા કાર સહિત ચાર વાહનો જપ્ત કર્યાં છે. આ ઉપરાંત લાકડીઓ-પાઈપ સહિતના હથિયારો કબજે કરવામાં આવ્યા છે.

ઝડપાયેલા 16 આરોપીમાંથી 10 જણનો ગુનાહિત ભૂતકાળ છે. તેમાંથી 7 આરોપીઓ સામે ભૂતકાળમાં વિવિધ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ, ગેરકાયદે મંડળી બનાવી હથિયારો ધારણ કરીને હિંસક હુમલો કરી ધિંગાણું કરવું, હથિયારના જોરે લૂંટ, સરકારી કર્મચારી પર હિંસક હુમલો, ધાક-ધમકી આપવી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેમણે કોના કહેવાથી જમીન ખાલી કરવા હિંસક હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે અનેક સવાલો અંગે તપાસ શરૂ કરી છે અને આરોપીની પૂછપરછ હાથ ધરી છે.