February 24, 2025

કચ્છમાં રાજપૂત ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન, અંગદાન-પર્યાવરણનું જતન કરવાનો અનોખો સંદેશ

નીતિન ગરવા, ભૂજઃ ગાંધીધામમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને 12મા સમૂહલગ્ન મહોત્સવનું ખાસ આયોજન કરાયું હતું. કચ્છ ક્ષત્રિય સમાજના લગ્ન મહોત્સવમાં 74 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા યુગલોને અંગદાન અને પર્યાવરણ જતન અંગે મહત્વ સમજાવામાં આવ્યું હતું. આ સાથે સાથે નવદંપતીઓને અંગદાન માટે સંકલ્પ લેવડાવામાં આવ્યો હતો. પર્યાવરણનું જતન થાય તે ઉદ્દેશ્ય સાથે યુગલોઓને કરિયાવરમાં વૃક્ષોના રોપોઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી દરેક સમાજમાં અંગદાન અને પર્યાવરણ જતન માટે સારો મેસેજ જાય.

સમૂહ લગ્ન મહોત્સવના મહત્વ અંગે વાત કરતા ક્ષત્રિય સમાજના અગ્રણી કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમૂહ લગ્ન મહોત્સવ દરેક સમાજમાં ખૂબ ઉપયોગી નીવડે છે. સમાજનો દરેક વર્ગ એક સમાન છે. લગ્ન મહોત્સવથી સમાજમાં સદ્ભાવનાનો મેસેજ જાય છે. સમાજમાં જન્મેલો કોઈ માણસ ઉંચો-નીચો નથી, આગળ-પાછળ નથી. બધા એક હરોળમાં છે તેવો મેસેજ લગ્ન મહોત્સવમાં મળે છે. લગ્ન મહોત્સવ આયોજનના લીધે સમાજના સમયનો અને આર્થિક ખર્ચની ખૂબ બચત થાય છે, દરેક સમાજે પ્રેરણા લઈ સમૂહ લગ્ન મહોત્સવના આયોજન કરવા જોઈએ.

લગ્ન મહોત્સવમાં ગુજરાત ક્ષત્રિય સમાજના અગ્રણી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મહિન્દ્રસિંહ સરવૈયા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.