September 25, 2024

વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અંગે કુબેર ડિંડોરનું નિવેદન – EKYC ફરજિયાત, સમયમર્યાદામાં આઘું-પાછું કરીશું

મહીસાગરઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા મામલે વિવાદનો મધપૂડો છંછેડાયેલો છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.

વિદ્યાર્થીઓના ઇ-કેવાયસી સહિત રેશનકાર્ડમાં વિદ્યાર્થીઓના નામ અંગે લોકોને પડતી હાલાકી મામલે તેમણે જણાવ્યું છે કે, ‘આપણો દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. તમામ યોજના DBD થકી લોકો સુધી પહોંચી રહી છે. વિદ્યાર્થીનું EKYC ફરજિયાત થાય તેવા પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમના બારકોડ રેશનકાર્ડમાં નામ નથી. નામ નથી તેવા વિદ્યાર્થીઓના EKYC કરવાની વ્યવસ્થા ચાલુ કરી છે. શિક્ષણ વિભાગ, નાગરિક અન્ન પુરવઠા વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા EKYC ઝુંબેશના રૂપે તેને હાથમાં લીધું છે. માત્ર બે દિવસમાં સાત લાખ જેટલા એ EKYCનું રેશનકાર્ડ સાથેનું જોડાણ કર્યું છે.’

તેઓ કહે છે કે, ‘EKYCને લઈ કેટલીક તકલીફો શાળાના શિક્ષકોને પડી રહી છે. બાળકના હિતમાં આ કરવું ખૂબ જરૂરી અને ફરજિયાત છે. આ બાબતને લઈ પ્રાથમિક શૈક્ષિક સંઘ તેમજ શિક્ષક સંઘ દ્વારા રજૂઆત મળી છે. EKYCનું કામ ફરજિયાત કરવાનું છે અને આ કામ ચાલુ જ છે. શિષ્યવૃત્તિ પણ વિદ્યાર્થીઓને મળવાની છે પણ સાથે સાથે આ કામ કરવું ફરજિયાત છે. સમયમર્યાદાની કંઈક તકલીફ હશે તો તેમાં આઘું પાછું આપણે કરીશુ પરંતુ EKYC કરવું ફરજિયાત છે.’