August 18, 2024

કેપી શર્મા ઓલી બનશે નેપાળના નવા પ્રધાનમંત્રી, સોમવારે લેશે શપથ

Nepal: નેપાળના નવા પ્રધાનમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિએ CPN-UML પ્રમુખ કેપી શર્મા ઓલીને આગામી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સોમવારે સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ઓલી 11 ઓક્ટોબર 2015 થી 3 ઓગસ્ટ 2016 અને ત્યારબાદ ફરીથી 5 ફેબ્રુઆરી 2018 થી 13 જુલાઈ 2021 સુધી નેપાળના પ્રધાનમંત્રી રહ્યા હતા.

નવી ગઠબંધન સરકારનું કરશે નેતૃત્વ
કેપી શર્મા ઓલી નવી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે. તેમની માથે દેશમાં રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની સૌથી મોટી જવાબદારી હશે. 72 વર્ષના ઓલી પુષ્પ કમલ દહલ પ્રચંડનું સ્થાન લેશે. દહલે શુક્રવારે પ્રતિનિધિ સભામાં વિશ્વાસ મત ગુમાવી દીધો હતો. જેના કારણે બંધારણની કલમ 76(2) હેઠળ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

READ MORE: નેપાળમાં વિશ્વાસ પ્રસ્તાવમાં પુષ્પ કમલ દહલની ‘પ્રચંડ’ હાર, આપ્યું રાજીનામું: હવે કોણ બનશે પીએમ?

કેપી શર્મા ઓલી સોમવારે લેશે શપથ
રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે કેપી શર્મા ઓલીને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML)-નેપાળી કોંગ્રેસ (NC) ગઠબંધનના નવા નેતા એટલે કે દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા. ઓલી અને નવું મંત્રીમંડળ સોમવારે શપથ લેશે.

કર્યો હતો 165 સભ્યોના સમર્થનનો દાવો
આ પહેલા શુક્રવારે મોડી રાત્રે ઓલીએ એનસી પ્રમુખ શેર બહાદુર દેઉબાના સમર્થન સાથે આગામી પ્રધાનમંત્રી બનવા માટેનો દાવો કર્યો હતો. તેમણે પ્રતિનિધિ સભાના 165 સભ્યોના હસ્તાક્ષર સાથેનું સમર્થન પત્ર રજૂ કર્યું હતું. જેમાંથી 77 સભ્યો તેમના પોતાના પક્ષ CPN-UMLના હતા જ્યારે 88 સભ્યો NCના છે.