December 25, 2024

કોટામાં શિવ શોભાયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ, 15 બાળકો દાઝી ગયા

Students Current Several Injured: રાજસ્થાનના કોટા શહેરમાં મહાશિવરાત્રિ પર નીકળેલી શિવ શોભાયાત્રા દરમિયાન દુર્ઘટના સર્જાઇ છે.  હાઇ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા 15 બાળકો દાઝી ગયા હતા, જેમાં બાળકની સ્થિતિ નાજુક છે. દાઝી ગયેલા તમામ બાળકોને એમબીબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર કુન્હાડી થર્મલ ઈન્ટરસેક્શન પાસે બપોરે 12.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. શિવ શોભાયાત્રામાં અનેક બાળકો ધાર્મિક ધ્વજા લઈને આવ્યા હતા. આ દરમિયાન એક ધ્વજ હાઇ ટેન્શન લાઇનને સ્પર્શ્યો હતો. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

બાળકોની ઉંમર નવથી 16 વર્ષની
ઘટના બાદ લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી અને બાળકોને તાત્કાલિક એમબીબીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ત્યાં એક બાળકની હાલત નાજુક છે. ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ સક્રિય થઇ ગયું છે અને અકસ્માતની માહિતી મળતાની સાથે જ મેડિકલ ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. બીજી બાજુ આ દુર્ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘાયલ બાળકોના સંબંધીઓએ હોસ્પિટલ પહોંચેલા આયોજકોને માર માર્યો હતો. આઈજી રવિદત્ત ગૌરે જણાવ્યું કે એક બાળક 70 ટકા અને બીજો બાળક 50 ટકા દાઝી ગયો છે અને અન્ય બીજા બાળકો 10 ટકા દાઝી ગયા છે. બાળકોની ઉંમર નવથી 16 વર્ષની હોવાનું કહેવાય છે.

એક બાળકની સ્થિતિ નાજુક
દુર્ઘટનાની જાણકારી મળતા જ લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યના ઉર્જા મંત્રી હીરાલાલ નાગર અને અન્ય અધિકારીઓ પણ MBBS હોસ્પિટલ પહોંચ્યા છે. બિરલાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટના કેમ થઇ તેની તપાસ કરવામાં આવશે. હાલમાં દરેક વ્યક્તિ બાળકોની સારવારમાં વ્યસ્ત છે, જેમાં એક બાળકની સ્થિતિ ગંભીર છે. જો રેફરલની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે અને બાળકોને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે.

દર વર્ષે શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે
દર વર્ષે કાલી બસ્તીમાં શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. માહિતી અનુસાર મોટાભાગના બાળકો તેમના પરિવારના સભ્યો વિના શિવ શોભાયાત્રામાં સામેલ થવા આવ્યા હતા. બીજી બાજુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આયોજકોની ભૂલને કારણે આ અકસ્માત થયો છે.જેના કારણે જ્યારે આયોજકો હોસ્પિટલ પહોંચ્યા તો નારાજ પરિવારના સભ્યોએ તેમને માર માર્યો હતો.