October 1, 2024

’52 દિવસ બાદ પણ સકારાત્મક વલણ દેખાતું નથી’, પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટર ફરી જશે હડતાળ પર

Kolkata: પશ્ચિમ બંગાળમાં વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરો તમામ તબીબી સંસ્થાઓમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આજે ફરીથી અનિશ્ચિત હડતાળ પર જઈ રહ્યા છે. જુનિયર ડોકટરો આજે સવારે 10 વાગ્યાથી સંપૂર્ણ રીતે કામ બંધ કરી દીધું હતું. જુનિયર ડોકટરો 42 દિવસના વિરોધ બાદ 21 સપ્ટેમ્બરે સરકારી હોસ્પિટલોમાં આંશિક રીતે તેમની ફરજો પર પાછા ફર્યા હતા. 9 ઓગસ્ટના રોજ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં જુનિયર ડોક્ટરે કામ બંધ કરી દીધું હતું.

વિરોધ કરી રહેલા ડોકટરોમાં સામેલ અનિકેત મહતોએ કહ્યું, “અમને સુરક્ષા માટેની અમારી માંગણીઓ પૂરી કરવા માટે રાજ્ય સરકાર તરફથી કોઈ હકારાત્મક વલણ દેખાતું નથી. આજે (વિરોધનો) 52મો દિવસ છે અને હજુ પણ અમારા પર હુમલા થઈ રહ્યા છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની બેઠકો દરમિયાન આપેલા અન્ય વચનો પૂરા કરવાના કોઈ પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી. હાલની પરિસ્થિતિમાં અમારી પાસે આજથી કામ સંપૂર્ણપણે બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી રાજ્ય સરકાર આ માંગણીઓ પર સ્પષ્ટ પગલાં નહીં લે ત્યાં સુધી કામ સંપૂર્ણપણે બંધ રહેશે.

15મી ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો હતો
ગઈકાલે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે રાજ્યની મેડિકલ કોલેજોમાં સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે 26% કામ કરવામાં આવ્યું છે. બાકીનું કામ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે 15 ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે કામ આટલું ધીમું કેમ ચાલી રહ્યું છે. રાજ્યએ કોર્ટને માહિતી આપી હતી કે રાજ્યમાં પૂરની સ્થિતિને કારણે વહીવટીતંત્રને રાહત અને પૂર વ્યવસ્થાપનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: 1968માં હિમાચલમાં થયું હતું પ્લેન ક્રેશ, 56 વર્ષ બાદ મળ્યાં 4 મૃતદેહ

સરકાર સતર્ક અને સક્રિય
રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે કહ્યું કે આંદોલનકારી જુનિયર ડોક્ટરોએ અધીરા ન થવું જોઈએ. રાજ્ય સરકાર આશા રાખે છે કે આંદોલનકારી જુનિયર ડોકટરો તેમની જવાબદારીઓથી વાકેફ છે અને દર્દીઓની તેમની સંપૂર્ણ ક્ષમતાથી સેવા કરશે. તેણે કહ્યું, “બધે કામ ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ 30 ટકા તો કેટલીક જગ્યાએ 70 ટકા કામ પૂર્ણ થયું છે. સરકાર સતર્ક અને સક્રિય છે. મુખ્યમંત્રી (મમતા બેનર્જી) પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.