November 22, 2024

કોલકાતા દુષ્કર્મ કેસમાં BJPનો મોટો દાવો, સંદીપ ઘોષ પર પુરાવાઓ સાથે ચેડા કરવાનો આરોપ

Kolkata Rape Murder Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ટ્રેઈની ડૉક્ટર પર થયેલ હેવાનિયતની ઘટના બાદ સમગ્ર દેશમાં આક્રોશનું વાતાવરણ છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાન બનાવી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

ગુરુવારે બંગાળ ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર મોટો આરોપ લગાવ્યો. સુકાંત મજુમદારે કહ્યું કે કોલકાતા રેપ મર્ડર કેસના બીજા જ દિવસે સંદીપ ઘોષે પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર એક ઓર્ડર પણ પોસ્ટ કર્યો.

સુકાંત મજુમદારે શું કર્યો આક્ષેપ?
બંગાળ ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે આક્ષેપ કર્યો હતો કે પૂર્વ પ્રિન્સિપાલે દુષ્કર્મની ઘટનાના બીજા જ દિવસે સેમિનાર હોલની નજીક રિનોવેશનનો આદેશ આપ્યો હતો, જ્યાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આરોપ લગાવવામાં આવ્યો છે કે પીડિતાના મૃત્યુના એક દિવસ બાદ 10 ઓગસ્ટે આ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો હતો. સુકાંત મજમુદારે એમ પણ કહ્યું હતું કે પ્રદર્શનકર્તાઓના આક્ષેપો છતાં પોલીસ કમિશનર સતત આ વાતનો ઇનકાર કરતાં રહ્યા.

ઓર્ડર લેટરમાં શું લખ્યું હતું?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર સુકાંત મજુમદાર દ્વારા શેર કરવામાં આવેલો પત્ર પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષે PWD એન્જિનિયરને લખ્યો હોવાનું જણાઈ રહ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ડોક્ટરોના રૂમ અને અલગ એટેચ્ડ ટોઇલેટની અછત છે. રેસિડેન્ટ ડોકટરોની માંગણી મુજબ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરો.

સીએમ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન
સુકાંત મજુમદારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ લેટર શેર કરતાં નિશાન સાધ્યું. ટ્વિટર X પર સુકાંત મજુમદારે લખ્યું કે આ પત્ર પુષ્ટિ કરે છે કે પીડિતાના મૃત્યુના બીજા દિવસે પુરાવાનો નાશ કરવા માટે સેમિનાર હોલને તોડી પાડવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી અને નિષ્ફળ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સૂચના વિના આ થઈ શકે નહીં.

આ પણ વાંચો: સ્કિલ ડેવલપમેન્ટ માટે ભારત આવો, કાશીમાં રોકાણ કરો: PM મોદી

પોલીસ મેડલ પરત લઈ લેવા માંગ
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા, સુભેન્દુ અધિકારીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તેમને અનુરોધ કર્યો હતો કે તાજેતરમાં કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને આપવામાં આવેલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને પોલીસ મેડલ પરત લઈ લેવામાં આવે.