શહેરના વાડજ વિસ્તામાં રી-ડેવલપમેન્ટ વિવાદમાં છરી વડે હુમલો
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદનાં વાડજ વિસ્તારમાં આવેલ વિશ્રામ પાર્ક સોસાયટી રી-ડેવલપમેન્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પૂર્વ ચેરમેન અને કેટલાક રહીશો રી-ડેવલપમેન્ટના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ધુળેટીના પર્વ નિમિતે સોસાયટીના નવા નિમાયેલા ચેરમેન નીતિન શાહએ રી-ડેવલપમેન્ટ લઈને સોસાયટીની કમિટી મેમ્બર અને રહીશોની મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં પૂર્વ ચેરમેન શક્તિસિંહ અને તેનો પુત્ર પ્રથમસિંહ હાજર રહ્યા હતાં.
મિટિંગમાં રી-ડેવલપમેન્ટને લઈને કેટલા નિર્ણયો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં પૂર્વ ચેરમેન શક્તિસિંહ સહિત અન્ય લોકો અનેક નિર્ણયોથી અસંતોષ વ્યક્ત કર્યો હતો, જે બાદ બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. બેઠક બાદ ચેરમેન નીતિન શાહ પોતાની ગાડીમાં બહાર જવા નીકળ્યા ત્યારે પૂર્વ ચેરમેનના પુત્રએ પ્રથમસિંહએ અચાનક પાછળથી આવીને છરી વડે હુમલો કર્યો હતો અને નીતિન શાહને પોતાના પિતાની માફી માગવા દબાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રહીશો આવી જતા ઈજાગ્રસ્ત નીતિન શાહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રી-ડેવલોપમેન્ટ વિવાદ વચ્ચે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સોયાયટી ચેરમેનના પુત્રએ જણાવ્યું હતું કે, વિશ્રામ પાર્ક સોસાયટી 40 વર્ષ જૂની છે અને ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે. વર્ષ 2020માં કોરોના સમયમાં આ સોસાયટી રી-ડેવલપમેન્ટમાં ગઈ હતી, ત્યારે ચેરમેન તરીકે શક્તિસિંહ પરમાર હતા, પરંતુ ત્યારે સોસાયટીનું રી-ડેવલપમેન્ટ થયું નહતું. એક વર્ષ પહેલાં આ સોસાયટીના પદ પર નીતિન શાહની નિમણુંક કરવામાં આવી હતી અને તેમને રી-ડેવલપમેન્ટનું કામ કાજ શરૂ કર્યું. રી-ડેવલપમેન્ટમાં મકાનને લઈને અસંતોષ ઉભો થયો હતો.
આ વાંચો: મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે સાયબર ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ
બીજી બાજુ સોસાયટીમાં પૂર્વ ચેરમેન શક્તિસિંહ અને ચેરમેન નીતિન શાહ વચ્ચે બે જૂથ પડ્યા હતા, જેમાં કેટલાક લોકોને અસંતોષ હતો, તો કેટલાક લોકોએ સમર્થન આપ્યું હતું. સોસાયટીમાં મિટિંગ દરમ્યાન ચર્ચામાં ઉગ્ર બોલાચાલી થતા પૂર્વ ચેરમેન પુત્ર પ્રથમસિંહ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પ્રથમસિંહ ફરાર થઇ ગયો, જ્યારે તેના પિતાએ પણ દીકરાની આ કરતૂતનું દુઃખ વ્યક્ત કર્યું છે. વાડજ પોલીસે રી-ડેવલપમેન્ટને ચાલતા વિવાદ અને હુમલા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.
બી ડિવિઝનના એસીપીએ માહિતી આપી કે, વાડજ પોલીસે આ હુમલા કેસમાં પ્રથમસિંહ પરમાર વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સ્થાનિક રહીશો અને પરિવારના નિવેદનો લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે.