નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર પર જમીન બિનઅધિકૃત રીતે ખરીદી હોવાનો આરોપ, જાણો તમામ માહિતી

યોગીન દરજી, નડિયાદઃ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર વિજય પટેલે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારોની જમીન બિનઅધિકૃત રીતે ખરીદી હોવાના આક્ષેપો કર્યા છે. સરદાર પટેલનો જન્મ નડિયાદમાં થયો હોવાથી તેમના મોસાળ પક્ષની જમીનો પણ નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં હતી. તેમાંથી તેમના મામાના દીકરા હરેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈની જમીન વર્ષ 1993માં નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરે ખરીદી હતી. જો કે, આ જમીન પૂર્વ ચેરમેન વિજયભાઈ નટુભાઈ પટેલ દ્વારા ખોટા હુકમો કરાવી ગણોતધારા વિરુદ્ધ વેચાણ કરાવી લીધી હોવાના આક્ષેપ સાથે અરજદારે જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરી છે.
વર્ષ 1963માં જમીન સરકાર હસ્તક લેવાનો હુકમ 30 વર્ષ બાદ 1993માં શંકાસ્પદ રીતે રદ થઈ ગયો હોવાના અરજદારે આક્ષેપ કર્યા છે. અરજદારે જણાવ્યું છે કે, વર્ષ 1994માં આ 109 ગુઠા જમીન NA પણ કરાવી લેવાઈ હતી. તે સમયે NA કરાવેલી જમીનમાંથી 4 પ્લોટ જુદા જુદા વ્યક્તિને વેચાણ પણ કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2024માં સીટીસર્વેની કચેરીમાં જમીનમાલિકોના નામ કમી કરાવ્યા વગર તમામ 52 પ્લોટને ખોટી રીતે એકત્રીકરણ પણ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે. આ સમગ્ર મામલે ગોપાલ માંડોવરા નામના અરજદારે સિટી સર્વે અને જિલ્લા કલેકટરના જામીન સુધારણા વિભાગમાં અરજી કરતા રાજકારણ ગરમાયું છે.
બીજી તરફ પૂર્વ કાઉન્સિલર વિજયભાઈએ આક્ષેપ કર્યો છે કે, અરજદાર ગોપાલ રૂપિયા પડાવવા માટે આ પ્રકારના કાવા દાવા કરી રહ્યો છે. અત્યાર સુધીમાં અરજદારે તેમના વિરુદ્ધ ચાર વાર અરજીઓ કરી છે અને આ પાંચમી અરજી છે. આગામી દિવસોમાં તેઓ અરજદાર પર માનહાનિનો દાવો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.