June 28, 2024

ગળતેશ્વરની મહીસાગર નદીમાં ડૂબતા ત્રણ યુવાનના મોત, એકનું રેસ્ક્યૂ

ખેડાઃ જિલ્લામાં આવેલા યાત્રાધામ ગળેતશ્વર પાસે આવેલી મહીસાગર નદીમાં ચાર લોકો ડૂબવાની ઘટના સામે આવી છે. જેમાંથી એક વ્યક્તિને રેક્સ્યૂ કરીને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોના ડૂબવાથી મોત નીપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, 9 જેટલા મિત્રો અમદાવાદથી ગળતેશ્વર તીર્થધામ ફરવા માટે આવ્યા હતા. ત્યારે નજીકમાંથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં ડૂબી રહેલા એક મિત્રને બચાવવા માટે જતા અન્ય ત્રણ મિત્રો પણ ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુથી લોકો ભેગા થઈ ગયા હતા અને એક વ્યક્તિને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો લાગુ, જાણો કઈ પ્રોડક્ટનો કેટલો ભાવ

આ ઘટનાની જાણ થતાં જ સેવાલિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાની મદદથી ગુમ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક સુનિલ કુશવાહ અને હિતેશ ચાવડા અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનની ઓળખ હજુ બાકી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના ખેડૂત પિતા-પુત્રની અનોખી સિદ્ધિ, વિદેશમાં મોકલે છે આંબાની કલમ

દમણગંગા નદીમાં યુવાન ડૂબ્યો
દાદરા નગર હવેલી નજીક આવેલી દમણગંગા નદીમાં પણ યુવાન ડૂબ્યો હતો. નદીમાં ન્હાવા જતી વખતે યુવાન ડૂબી ગયો હતો. ત્યારે તેને બચાવવા જતો અન્ય એક યુવાન પણ ડૂબવા લાગ્યો હતો. તેને તાત્કાલિક રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો હતો. ત્યારે હાલ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.