November 26, 2024

લકઝરી ફોનનો શોખ ત્રણ યુવાનોને ધકેલી ગયો ક્રાઇમની દુનિયામાં

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટીના નામથી ઓળખાય છે પરંતુ હવે સુરત ક્રાઇમ સિટી તરીકે પણ ઓળખાય તો નવાઈ નહીં. આ કહેવાનું કારણ એવું છે કે અવારનવાર હત્યા, ચોરી, મારામારી, લૂંટફાટ જેવી ઘટના સામે આવે છે. ત્યારે સુરતની ખટોદરા પોલીસે ત્રણ એવા ચોરની ધરપકડ કરી છે કે જેને મોબાઈલ વાપરવાનો શોખ હતો અને મોબાઈલ માટે આ ત્રણે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આ ત્રણ ચોરને ઝડપી પાડી સુરતના અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ ગુના નો ભેદ ઉકેલ કાઢ્યો છે.

સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે બે જુલાઈના રોજ ઘરફોડ ચોરીના ગુનામાં ભાગતા ફરતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, ખટોદરા તેમજ આજુબાજુના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરી કરતા ત્રણ ઈસમો ખટોદરા નંદ પરમાનંદ ઇન્ડસ્ટ્રીના બસ સ્ટેશન પાસે ચોરીમાં મળેલો મુદ્દામાલ ભાગ બટાઈ કરવા માટે આવવાના છે. ત્યારે બાતમીના આધારે પોલીસે નંદ પરમાનંદ ઇન્ડસ્ટ્રીના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી અને ત્રણેય ચોર ભેગા થતાની સાથે જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા અને આ ત્રણેય પાસેથી iPhone, ત્રણ મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખટોદરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીમાં સોનુ ઉર્ફે અજય ઉપાધ્યાય, સોનુ ઉર્ફે જેક પાડવી અને અમિત પાડવીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસમો ખટોદરા વિસ્તારના રહેવાસી છે. જ્યારે આ ત્રણેય ચોરની પૂછપરછ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે સોનું, જેક અને અમિતને અલગ અલગ બાઈલ વાપરવાનો શોખ હતો અને તેના માટે તેઓ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આરોપી પહેલા ચોરી કરવા માટેનું સ્થળ નક્કી કરતા હતા અને ત્યારબાદ જે જગ્યા પર સીસીટીવી કેમેરા ન હોય ત્યાં મોટરસાયકલની ચોરી કરતા હતા. મોટરસાયકલની ચોરી કર્યા બાદ તેઓ અલગ અલગ મકાનોને ટાર્ગેટ કરતા હતા અને મકાનમાં ઘૂસીને માત્ર મોબાઇલ ફોનની જ ચોરી કરતા હતા અને ત્યારબાદ બાઈક પર ફરાર થઈ જતા હતા. ચોરી કરેલી બાઇક સીસીટીવી કેમેરામાં ન આવે તે હેતુથી તેઓ પેટ્રોલ પંપ પર પણ ન જતા અને જ્યાં પેટ્રોલ પૂરું થઈ જતું ત્યાં જ રસ્તાની સાઈડમાં બાઈક મૂકીને આરોપી ઓફ ફરાર થઈ જતા હતા.

ખટોદરા પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના ત્રણ બાઇક જપ્ત કર્યા છે અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે, ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક આમ કુલ મળીને ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. આ ત્રણેય ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં સોનુ ઉર્ફે જેક સામે અગાઉ ખટોદરા પોલીસ સ્ટેશનમાં સાત અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક આમ આઠ ગુના દાખલ થયા છે. તો સોનુ ઉર્ફે અજય ઉપાધ્યાય સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ગુના દાખલ થયા છે અને અમિત પાડવી સામે પણ ખટોદરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ગુના દાખલ થયા.