December 22, 2024

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની માતાની થઈ ધરપકડ

અમદાવાદ: ખાલિસ્તાનના સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહની માતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમૃતપાલની માતા બલવિંદર કૌર ઉપરાંત તેમના કાકા સહિત અન્ય ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમૃતસરના DCP વિજસ સિંહે જણાવ્યું કે, અમૃતપાલની માતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. જ્યારે અમૃતસિંહના કાકા સહિત બીજા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અમૃતપાલની માતાની ધરપકડ ચેતના માર્ચના એક દિવસ પહેલા કરવામાં આવી છે. અમૃતપાલ અને તેના નવ સાથિઓને અસમના ડિબ્રુગઢ જેલમાં ટ્રાન્સફર કરીને પંજાબમાં લાવવાની માંગને લઈને 8 એપ્રિલના બઠિડાના તખ્ત સાહિબથી રેલી કાઢવામાં આવવાની હતી. આ પહેલા બદવિંદર કૌરની સાથે અન્ય કેદીઓના પરિવારના લોકો પણ 22 ફેબ્રૂઆરીએ અમૃતસરના સુવર્ણ મંદિર પાસે ભૂખ હડતાલ પર બેઠા હતા. એ લોકોનું કહેવું હતું કે અન્ય લોકોને જ્યાં સુધી પંજાબની જેલમાંથી ટ્રાન્સફર કરવામાં નહીં આવે ત્યા સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે.

આ પણ વાંચો: ઇરાનના ચાબહારમાં આતંકી હુમલો, 17 કલાક સુધી સતત ગોળીબાર

તો બીજી તરફ અમૃતપાલની માતાએ અન્ય લોકોની ધરપકડ થવાના કારણે ફરિયાદ કરી હતી. અકાલી દળે પંજાબની આમ આદમી પાર્ટીની નિંદા કરી. અકાલી દળના પ્રવક્તા પરમબંસ સિંહ રોમાનાએ કહ્યું કે, અમૃતપાલ સિંહની માતા સહિત તેમની સાથે રેલી કરવાવાળા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. અમૃતપાલ અને તેમના 9 સાથીઓ લગભગ એક વર્ષથી ડિબ્રુગઢ જેલમાં બંધ છે. આ બધા લોકોને ગત વર્ષ એપ્રિલમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?
ગયા વર્ષે 23 ફેબ્રુઆરીએ અમૃતપાલ અને તેની સંસ્થા વારિસ પંજાબ દે સાથે જોડાયેલા લોકોએ અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. અમૃતપાલ અને તેના સમર્થકોના હાથમાં તલવારો અને લાકડીઓ હતી. આ સમગ્ર હોબાળો આઠ કલાક સુધી ચાલ્યો હતો. આ હોબાળો અમૃતપાલના સમર્થક લવપ્રીત તુફાનની મુક્તિની માંગને લઈને થયો હતો.

લવપ્રીત તુફાનને પોલીસે બરિન્દર સિંહ નામના વ્યક્તિનું અપહરણ અને હુમલો કરવાના આરોપમાં અટકાયતમાં લીધી હતી. જોકે, હંગામા બાદ પોલીસે તેને છોડી મુક્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. જે બાદ અમૃતપાલના ઘણા સહયોગીઓ પકડાયા, પરંતુ તે ઘણા દિવસો સુધી ફરાર રહ્યો. પંજાબ પોલીસે અમૃતપાલ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો એટલે કે NSA પણ લગાવ્યો હતો. આ ઘટનાના લગભગ બે મહિના પછી અમૃતપાલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે.