November 24, 2024

મહાભારત કાળ સાથે જોડાયેલું આધ્યાત્મથી ભરપૂર છે જેતપુરનું કેરાળેશ્વર મહાદેવ

ધ્રુવ મારૂ, જેતપુર: શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિનો મહિમા, આદિભાગવાન શિવનું હિન્દૂ ધર્મમાં ખુબજ મહત્વ છે અને આ આદિ ભગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્રભરમાં આવેલા છે. આવું જ એક પૌરાણિક શિવમંદિર જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવ આવેલ છે. શું છે આ મંદિરની કથા અને શું છે આ મંદિરનું માહાત્મ્ય, જોઈએ!

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ. આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલ છે. અનેક મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલ છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલ છે. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવુ જ એક અંદાજિત 5 હજાર વર્ષ પુરાણું અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ. પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવમંદિર પાંડવો દ્વારા નિર્મિત કરવાં આવ્યું હોવાની કથા છે સાથેની લોક વાયકા સાથે જોડાયેલ એવા અને જેતપુર શહેરના જેને ઇષ્ટ દેવ માનવમાં આવે છે.

કેરાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અને માહાત્મ્ય
કેરાળેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલ એક રમણીય સ્થળ છે, મંદિર એ ભાદર નદીના કાંઠે વસેલ છે અને 80 એકર જેટલી જગ્યામાં ફેલાયેલ છે. મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો આ મંદિર અતિપ્રાચીન છે. આ જગ્યાએ પહેલા કેળનું વન હતું અને શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. લોકવાયકા મુજબ કેરાળેશ્વર મહાદેવ મંદિરનો 5 પાંચ હજાર હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે. લોકવાયકા મુજબ પાંડવોએ પોતાનો અજ્ઞાત વાસનો થોડો સમય અહીં વસવાટ કરેલ હતો અને તે દરમિયાન જ અહીં મંદિરની સ્થપાના કરેલ હતી અને કાળ ક્રમે તે લુપ્ત થયેલ હતું.

લોક વાયકા મુજબ પાંડવો અહીં રહેલા હતા અને ભીમના લગ્ન જયારે હિડિમ્બા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીં થી જ માખીયાળાના ડુંગર અને હાલ જે ઓસમ પર્વત કહેવાય છે તેની ઉપર ગઈ હતી. પાંડવોએ અહીં પોતાના વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે તેવોએ મહારુદ્ર યજ્ઞ કરેલ હતો. જેની રાખ હજુ પણ આસ પાસના પરિસર માંથી નીકળે છે અને તેમાં હજુ પણ ઘીની સુગંધ આવે છે.

મંદિરની ઉત્પત્તિને લઈને પણ રસપ્રદ ઇતિહાસ
મંદિરની ઉત્પત્તિ કેમ થઇ તેનો પણ ઇતિહાસ છે. વર્ષો પહેલા અહીં કેરાળી નામનું ગામ હતું અને અહીંયા પટેલો ખેડૂતની વસ્તી હતી ત્યારે આ ગામ ની વઘાસીયા પટેલની દીકરી રોજ આ શિવલિંગની પૂજા કરવા માટે આવતી અને તે જયારે અહીં પૂજા કરવા આવે ત્યારે સામે કાંઠે જવા અને આવા માટે નદી રસ્તો કરી આપતી હતી. આ વઘાસીયાની દીકરી દેવ થતા તેની સમાધિ પણ હાલ આ જગ્યાએ હયાત છે અને અને તે સતીમાં તરીકે પૂજાય છે.

પૌરણોમાં ઉલ્લેખ મુજબ અને લોકવાયકા મુજબ પાંડવો જયારે અહીં વસવાટ કરતા ત્યારે અહીં કમળનું સુંદર ઉપવન હતું. તેના ઉપર થી આ જગ્યાનું નામ પ્રથમ કમલેશ્વર હતું અહીં આ મંદિર કાળ ક્રમે લુપ્ત થયેલ અને આ જગ્યા ઉપર કેળના વન બની ગયેલ હતું અને અપભ્રંશ થતા કાળ ક્રમે કેરાળેશ્વર નામ થઇ ગયુ.

જયારે, ઉત્પત્તિની વાત કરીયે તો જયારે કોઈ ગોવાળ અહીં પોતાની ગાયો ચરાવવા અહીં આ કેળના વનમાં આવતો ત્યારે એક ગાય રોજ એક ચોક્કસ જગ્યા એ જાય અને ત્યાં તેના આચળ માંથી દૂધ ની ધારાવાહી વહેવા લાગે જયારે ગામ લોકોએ આ બાબતે જાણ થઇ તપાસ કરી તો ત્યાં એક શિવ લિંગ મળી આવ્યું અને તે આજનું કેરાળેશ્વર મહાદેવ મંદિર.

જ્યોતિષો માટે પણ આ જગ્યા અતિ મહત્વ નહીં છે, જ્યોતિષીઓ અહીં ગ્રહ પીડા દૂર કરવા માટે લોકોને વિધિ કરવા માટે જણાવે છે. અહીં બ્રાહ્મણો પણ વિવિધ વિધિ વિધાનોની પૂજા અને વિધિ કરે છે. એવું માનવમાં આવે છે કે અહીં કરવામાં આવેલ વિધિ વિધાનનું સંપૂર્ણ ફળ કરનારને મળે છે. કેરાળેશ્વર મહાદેવને જેતપુર શહેરના ઇષ્ટ દેવ માનવામાં આવે છે. આ મંદિર ઉપર લોકોને અપાર શ્રદ્ધા છે. જયારે જયારે કેરાળેશ્વર મહાદેવના ભકતો ઉપર કોઈ આપદા આવે ત્યારે કેરાળેશ્વર મહાદેવ તેના ભક્તોના દુઃખ અવશ્ય દૂર કરે છે.