July 2, 2024

20 દિવસમાં 12 જ્યોતિર્લિંગની બાઇકથી સફર કરતી ટ્રાવેલર, વિશ્વ રેકોર્ડ બનાવવાનો નિશ્ચય

રાજેશ ભજગોતર, ગીર સોમનાથઃ ઘણાં લોકો અનેક પરાક્રમ કરવા માટે જાણીતા હોય છે. ત્યારે કર્ણાટકના હુબલીની રહેવાસી આવી જ એક યુવતી બાઇક લઈને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરવા માટે નીકળી પડી છે. એ પણ કોઈ અન્ય સાથીદાર વગર!

કર્ણાટકના હુબલીમાં રહેતી ભાગીરથી અજગોડે નામની 22 વર્ષીય યુવતી બાઇક લઈને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળી પડી છે. તેમણે માત્ર 20 જ દિવસમાં આ બારેબાર જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો છે. આ પરાક્રમથી તેઓ વિશ્વ રેકોર્ડમાં સ્થાન બનાવવા માગે છે.

25 એપ્રિલે હુબલીથી સવારે 9 વાગ્યે તેમણે યાત્રાનો શુભારંભ કર્યો હતો. ત્યારથી તેઓ દરરોજ અંદાજે 500-550 કિલોમીટર જેટલી યાત્રા કરે છે. તેમના માતા-પિતાએ પણ તેમને આ યાત્રામાં સાથ આપ્યો છે. અત્યાર સુધીમાં ભાગીરથીએ 6 જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી લીધી છે. ત્યારે વહેલી સવારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યા હતા. ત્યાં દર્શન કરી તેઓ નાગેશ્વર તરફ આગળ વધ્યાં છે.

તેઓ સોલો ટ્રાવેલર છે અને રોયલ એન્ફિલ્ડ બાઇકથી સવારી કરી રહ્યા છે. દરરોજ સવારે ત્રણ વાગ્યે ઉઠીને ધ્યાન અને યોગ કરે છે. ત્યારબાદ બાઇકની સાફસફાઇ કરે છે. ત્યારબાદ સવારે 5.30 વાગ્યે સફર શરૂ કરે છે. જે બપોરે 12 વાગ્યા સુધી ચાલે છે. ત્યારબાદ સાંજે 4.30થી 6.30 સુધી સફર કરે છે.