કર્ણાટકના પૂર્વ DGPની તેમના જ ઘરમાં હત્યા, પત્ની સાથે ચાલતો હતો ઝઘડો

Karnataka Former DGP Murder: કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ઓમ પ્રકાશની રવિવારે હત્યા કરવામાં આવી હતી. પોલીસે પત્ની પલ્લવી અને પુત્રીને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પત્ની માનસિક રીતે અસ્થિર હતી અને ઝઘડા બાદ તેણે તેના પતિની હત્યા કરી દીધી હતી. જો કે, પોલીસે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
ભૂતપૂર્વ ડીજીપી બિહારના રહેવાસી
68 વર્ષીય ઓમ પ્રકાશ મૂળ બિહારના ચંપારણના રહેવાસી હતા. 1 માર્ચ 2015ના રોજ તેમને પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ અગાઉ કર્ણાટક હોમગાર્ડ્સ અને ફાયર બ્રિગેડના મહાનિર્દેશક અને 2015થી 2017 સુધી રાજ્યના પોલીસ મહાનિર્દેશક પણ હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઓમ પ્રકાશ (68) નિવૃત્તિ પછી બેંગલુરુમાં રહેતા હતા. કારણ કે તેમની પત્ની સાથે વિવાદ હતો. તેનો તેમની પત્ની સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. રવિવારે સાંજે પત્નીએ પોલીસને ફોન કરીને તેના પતિના મૃત્યુની જાણ કરી હતી. આટલા હાઈ પ્રોફાઇલ ભૂતપૂર્વ અધિકારીની હત્યાના સમાચાર મળતા જ પોલીસની એક ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી.
ઓમ પ્રકાશનો મૃતદેહ લોહીથી લથપથ ત્યાં પડ્યો હતો. પોલીસે તાત્કાલિક પત્ની અને પુત્રીને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. એચએસઆર લેઆઉટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસુર રોડ પર સેન્ટ જોન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઓમ પ્રકાશ અને તેની પત્ની દરરોજ ઝઘડા કરતા હતા. પડોશીઓ અને તેમના સંબંધીઓને પણ આ વાતની જાણ હતી. જો કે, રવિવારે એવું શું બન્યું જેના કારણે હત્યા થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી.
તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો: પોલીસ
આ અંગે બેંગલુરુના એડિશનલ સીપી વિકાસ કુમારે જણાવ્યું હતું કે, ‘આજે સાંજે લગભગ 4-4:30 વાગ્યે, અમને અમારા ભૂતપૂર્વ ડીજીપી અને આઈજીપી ઓમ પ્રકાશના મૃત્યુની માહિતી મળી હતી. તેમના પુત્રનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તે આ ઘટના સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે. તેના આધારે એફઆઈઆર નોંધવામાં આવશે. કેસ નોંધાયા પછી વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પ્રારંભિક તપાસ સૂચવે છે કે, આ મામલો આંતરિક હોઈ શકે છે. એવું લાગે છે કે કોઈ તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે એટલું બધું રક્તસ્ત્રાવ થયું કે તેનું મૃત્યુ થયું છે.’