December 23, 2024

સાઉથમાં ઈન્ડસ્ટ્રીમાં કરીના કપૂરનું ડેબ્યૂ, આ સુપર સ્ટારની બનશે હિરોઈન

Kareena Kapoor debut in South: કરીના કપૂરને લઈને છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ ચાલી રહ્યા હતા કે તે બહું જ જલ્દી સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કરશે. આ વાતને લઈને કરીના કપૂરે ચુપ્પી તોડી છે. કરીનાએ કહ્યું કે, બહું સમયથી આ ન્યૂઝ સાંભળી રહી છેકે સાઉથની ફિલ્મમાં તેનું ડેબ્યૂ થવા જઈ રહ્યું છે. તો જી હા, આ વાત સાચી છે. KGF સ્ટાર યશની આવનારી ફિલ્મ ‘ટોક્સિક’ માં બંન્ને સાથે જોવા મળશે. મહત્વનું છેકે, આ ફિલ્મ કરીના કપૂરની સાઉથની ડેબ્યૂ ફિલ્મ છે. આ પહેલા કરીનાએ સાઉથની ફિલ્મોમાં કામ નથી કર્યું.

સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરવા અંગે કરીનાએ શું કહ્યું?
એક વીડિયોમાં કરીનાએ કહ્યું કે, ‘હવે હું સાઉથની બહુ મોટી ફિલ્મ કરી શકીશ. હવે તે આખા ભારતની ફિલ્મ છે. તેથી મને ખબર નથી કે હું ક્યાં શૂટિંગ કરીશ, પરંતુ હું મારા બધા ચાહકોને એ જણાવવામાં ખુબ જ ઉત્સાહિત છું કે હું આવું પહેલીવાર કરીશ.’ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે કરીના યશની ટોક્સિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ફિલ્મના નિર્માતા ‘કરીનાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેને ફિલ્મ માટે સાઈન કરવા માટે વાતચીત શરૂ કરી દીધી છે.’

રવિના ટંડન પછી કરીના કપૂર KGF સ્ટાર સાથે હશે
એક અહેવાલ મુજબ, નિર્દેશક ગીતુ મોહનદાસ અને યશ આગામી દિવસોમાં કરીનાને સ્ટાર કાસ્ટમાં સામેલ કરવાની જાહેરાત કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ થોડા અઠવાડિયામાં શરૂ થશે. કરીના બોલિવૂડની પહેલી અભિનેત્રી નથી જે યશ સાથે કામ કરશે. 2022 માં યશની KGF 2 માં રવિના ટંડન અને સંજય દત્તે કામ કર્યું હતું. ટોક્સિકની વાત કરીએ તો આ ફિલ્મ યશની 19મી ફિલ્મ છે. ગયા મહિને તેણે માત્ર શીર્ષક જ નહીં, પરંતુ એક નાનો વીડિયો પણ બહાર પાડ્યો હતો. જેમાં તેના પાત્રની પ્રથમ ઝલક હતી.

આ ફિલ્મ 2025માં થશે રિલીઝ
ગયા વર્ષે ડિસેમ્બરમાં યશે નિર્દેશક ગીતુ મોહનદાસ સાથે તેની આગામી ફિલ્મ ટોક્સિકની જાહેરાત કરી હતી. જે એપ્રિલ 2025 માં રિલીઝ થશે. આ ફિલ્મમાં યશને પહેલા ક્યારેય ન જોયેલા પાત્રમાં જોવા મળશે. જેની ઝલક ચાહકો જોઈ ચૂક્યા છે.