સુરતના નગરસેવકોની ભ્રષ્ટાચારથી રંગાયેલી કરમકુંડળી, જાણો કોણ કેટલું ભ્રષ્ટ?
મિહિર સોની, અમદાવાદ: ગુજરાતના સુરતમાં લાંચિયા નગરસેવકોના ભ્રષ્ટ ચહેરા સામે આવ્યા છે જેમાં સુરતના કોર્પોરેટર સૌથી વધુ ભ્રષ્ટ હોવાનું ખૂલ્યું છે. સુરતમાથી 5 વર્ષ માં 8 જેટલા કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 15 હજારથી માંડીને 10 લાખની લાંચ લીધી હોવાનો ખુલાસો થયો છે. જેમાં અત્યાર સુધી સુરત સિવાય અન્ય કોઈ મહાનગરપાલિકામાં કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા નથી. સુરતમાં દબાણ હટાવવા અને બાંધકામ તોડવાના નામે ભ્રષ્ટ નગરસેવકોએ ખુલ્લી લૂંટ ચલાવી છે.
તાજેતરમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા નામના બે કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટર સાથે 10 લાખ ની લાંચ માંગવામાં આવી હતી. જે મામલે એસીબીએ ગુનો નોંધી સુરતના આપ પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ની ધરપકડ કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટી એ સરકાર અને એસીબી પર આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું હતું અને અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા એસીબી તેમજ સરકાર પર મીલીભગત હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
આ તમામ આક્ષેપો વચ્ચે ખરેખર સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરોનો ઇતિહાસ શું રહ્યો છે તે જાણવાનો પ્રયત્ન ન્યુઝ કેપિટલ દ્વારા કરવામાં આવ્યો. એસીબી દ્વારા મળેલી માહિતી મુજબ છેલ્લા થોડા વર્ષોમાં રાજ્યભરમાંથી ફક્ત સુરતના કોર્પોરેટરો દ્વારા જ લાંચની માંગણી અથવા તો લાંચ સ્વીકારી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં ભાજપના 4 કોર્પોરેટર, કોંગ્રેસના 2 કોર્પોરેટર તેમજ આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાય છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી ચૂકવી છે.
તો હવે નજર કરીએ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરોના ખરડાયેલા ઇતિહાસ અને ક્યા કોર્પોરેટરોએ અત્યાર સુધીમાં સુરતનું નામ બદનામ કર્યું છે
કિસ્સો 1: ભાજપના કોર્પોરેટર મીનાબેન રાઠોડ
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2018માં વોર્ડ નંબર 25ના ભાજપના કોર્પોરેટર મીનાબેન રાઠોડ પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 2: ભાજપના કોર્પોરેટર નેનસી સુમરા
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2018માં વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર નેનસી સુમરા 55 હજારની લંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 3: ભાજપના કોર્પોરેટર જયંતીલાલ ભંડેરી
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2019માં વોર્ડ નંબર 8ના ભાજપનાં કોર્પોરેટર અને ડ્રેનેજ કમિટીના વાઇસ ચેરમેન જયંતીલાલ ભંડેરી 50000 ની લાંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 4: કોંગ્રેસના કોર્પોરેટર લીલાબેન સોનવણે
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2019માં વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર લીલાબેન સોનવણે 15,000ની લાંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 5: કોંગ્રેસના કોર્પોરેટર કપિલાબેન પટેલ
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2019માં વોર્ડ નંબર 18નાં કોંગ્રેસના કોર્પોરેટર કપિલાબેન પટેલ 50,000 રૂપિયાની લંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 6: કોંગ્રેસના કોર્પોરેટર સતિષભાઈ પટેલ
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2020માં વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર સતિષભાઈ પટેલ 15,000 ની લાંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 7: કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા
હાલમાં જ વર્ષ 2024 માં સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા તેમજ વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર વિપુલ સુહાગ્યા દસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરવાના કેસમાં ઝડપાયા છે.
ACBએ પકડેલ લાંચીયા કોર્પોરેટરોએ લાંચના પૈસા લેવાનું કારણ સામે આવ્યું કે જેમાં તમામ કોર્પોરેટરો સામાન્ય રીતે ગેરકાયદેસર બાંધકામ મામલે અથવા ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન નહિ કરવા મામલે અથવા તો રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિને નજર અંદાજ કરવા મામલે લાંચની માંગણી કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ કરેલા આક્ષેપ મામલે એસીબી દ્વારા તમામ આક્ષેપ નકારી કાઢવામાં આવ્યા છે અને એસીબી દ્વારા અગાઉ ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટરોને પણ લાંચ કેસમાં ધરપકડ કરી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.