PM મોદી પર કપિલ સિબ્બલે સાધ્યું નિશાન, UCCવાળા નિવેદનને લઈને કહી આ વાત

UCC: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 15 ઑગસ્ટના દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો લહેરાવ્યો અને સતત 11મી વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમને એક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો જેને લઈને ઘણો હોબાળો થયો. પીએમ મોદીએ કહ્યું કે આઝાદી બાદથી દેશ એક કોમ્યુનલ સિવિલ કોડમાં જીવી રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે દેશને સેક્યુલર સિવિલ કોડ આપવામાં આવે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની રજૂઆતની હિમાયત કરી.

શું કહ્યું કપિલ સિબ્બલે?

સિનિયર વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલને પણ પીએમ મોદીના નિવેદન પર તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો. સિબ્બલે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, “હું સ્વતંત્રતા દિવસ પર આવા નિવેદનો પર ટિપ્પણી કરવા માંગતો નથી. પીએમ આવા નિવેદનો કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આજે આપણે આપણી આઝાદીની ઉજવણી કરી રહ્યા છીએ અને મને નથી લાગતું કે આવા નિવેદનો પર પ્રતિક્રિયા આપવાની જરૂર છે, જે વિભાજનકારી દેખાય છે.”

UCC પર શું બોલ્યા PM મોદી?
78 માં સ્વતંત્રતા દિવસે PM મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ ઘણા પ્રસંગોએ UCC વિશે ચર્ચા કરી છે. દેશની મોટી વસ્તી માને છે કે આપણી પાસે જે સિવિલ કોડ છે તે સાંપ્રદાયિક છે. આ એક નાગરિક સંહિતા છે જે લોકો વચ્ચે ભેદભાવ કરે છે. તેમણે કહ્યું કે દેશને નવા સિવિલ કોડની જરૂર છે. આપણે હવે કોમ્યુનલ સિવિલમાંથી સેક્યુલર સિવિલ કોડ તરફ આગળ વધવું પડશે. આ પછી જ આપણે ધર્મના આધારે ભેદભાવથી આઝાદી મેળવવાના છીએ.