March 12, 2025

જૂનાગઢમાં ખેડૂતોને મોટો ફટકો, ટેકાના ભાવે તુવેર વેચનારા 10 હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ

સાગર ઠાકર, જૂનાગઢઃ ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં 10 હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતાં તુવેર પકવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ખુલ્લી હરાજીમાં ખેડૂતોને નુકસાની જાય છે. ત્યારે સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરે તેવી માગ કરવામાં આવી છે.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત થઈ હતી. જેમાં એગ્રિટેક ડિજીટલ સર્વે મુજબ ખેડૂતોના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. તે અચાનક રદ કરી નાખવામાં આવતાં ટેકાના ભાવે તુવેર વેચનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તુવેરના ટેકાના ભાવ 1510 રૂપિયા છે. જ્યારે આ જ તુવેર ખુલ્લી હરાજીમાં 1300 રૂપિયાના ભાવે વેચાય છે. સરકારના ટેકાના ભાવે તુવેર જો ખેડૂત વેચે તો તેને 1510 રૂપિયા મળે છે. જ્યારે ખેડૂત આ જ તુવેર ખુલ્લી હરાજીમાં વેચવા જાય તો તેને 1300 રૂપિયા મળે છે. આમ ટેકાના ભાવે તુવેરના વેચાણમાં ખેડૂતને ફાયદો છે, જ્યારે ખુલ્લી હરાજીમાં 210 રૂપિયાની નુકસાની જાય છે.

સરકારે નક્કી કરેલી એજન્સી દ્વારા ડિજીટલ સર્વે થયો અને તેના આધારે જ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ખેડૂતો રાહ જોતા હતા કે, ક્યારે મેસેજ આવે અને તુવેર લઈને વેચવા જાય. પરંતુ ખેડૂતોને જાણ થઈ કે હવે તેનું રજિસ્ટ્રેશન જ રદ કરી નાખવામાં આવ્યું છે. આવું સો-બસો નહીં પરંતુ 10 હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થયું છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવવામાં આવ્યો છે. ખેડૂતોના હિતમાં સરકાર રજિસ્ટ્રેશન રદ કરાયેલા ખેડૂતોના તુવેરની વહેલી તકે ખરીદી શરૂ કરીને તેના ખાતામાં રૂપિયા જમા કરે તેવી માગ કરવામાં આવી છે.