November 24, 2024

ઘેડ પંથકમાં જળબંબાકાર, 19 ગામ એલર્ટ; ઘણી જગ્યાએ પાણી ઉતરતાં રોડ-રસ્તા ચાલુ કર્યા

રાજકોટઃ માધવપુર-કુતિયાણા સહિત સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થઈ ગયો છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ત્યારે નદીના પટમાં અને કાંઠા વિસ્તારમાં ન જવા માટે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ 19 ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

કડછથી બગસરા તરફ જતા મેઇન હાઇવે પર પાણી ભરાઈ ગયા છે. હાઇવે પર ઓઝત-ભાદર નદીના ધસમસતા પ્રવાહ જોવા મળ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા આ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. તો મૈયારીથી બગસરા જવાનો પણ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. વાહનચાલક અને લોકોને રસ્તા પર જવા મનાઈ ફરવામાં આવી હતી. તંત્રએ પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષણને તહેનાત કર્યા હતા.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લાખણીમાં

ત્યારબાદ પાણી ઓસરતા ગરેજથી મૈયારી સુધીનો રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે નવી બંદર નજીક આવેલા ભાદર પુલના દરવાજા ખોલવામાં આવ્યા હતા. બીજી તરફ, આજુબાજુના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

ઘેડ પંથકમાં વાહન વ્યવહાર પૂર્વવત થયો છે. જળબંબાકરાની સ્થિતિ સર્જાતા 5 રસ્તા બંધ થયા હતા. ભારે વરસાદને કારણે બંધ થયેલા રસ્તાઓ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. અગતરાય – આખા – ટીકર – માણાવદર રોડ રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. કેશોદના મંગરપુરથી જોનપુરથી બામણાસા સુધીનો રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર 3 ફૂટથી વધુ પાણી ભરાયા હતા. પાણી ભરાતા કેશોદ તાલુકાના 7 ગામ સંપર્કવિહોણા બન્યા હતા.