December 21, 2024

ધ્વજા ચડાવવાથી મેળાની શરૂઆત અને ‘શાહીસ્નાન’ સાથે પૂર્ણાહુતિ

મહાશિવરાત્રિની રાતે ભવનાથ તળેટીમાં દિગંબર સાધુઓનું સરઘસ નીકળે છે.

જૂનાગઢઃ આ શહેરને સાધુ-સંતોનું પિયર કહેવાય છે. એમાંય મહાશિવરાત્રિ વખતે તો સમગ્ર દેશમાંથી અહીં સાધુ-સંતો ઉમટી પડે છે. મહા વદ નોમથી ભવનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી પાંચ દિવસના આ અનોખા મેળાની શરૂઆત થાય છે. ભવનાથનો મેળો એટલે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય.

છેલ્લા 140 વર્ષથી મેળો ભરાતો હોવાનો ઉલ્લેખ
આ મેળો કયા વર્ષમાં ભરાવવાની શરૂઆત થઈ તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ છેલ્લા 140 વર્ષથી આ મેળો ભરાય છે તેવો ઉલ્લેખ જોવા મળે છે. પહેલાંના સમયમાં સામાન્ય માણસો કરતાં સાધુ-સંતો આ મેળામાં વધુ આવતા હતા. ત્યારે સમય જતા સામાન્ય માણસો પણ મેળામાં આવતા થયા હતા અને આ રીતે મેળામાં માનવ મહેરામણ ઉમટે છે.

ભવનાથ મહાદેવનું મંદિર

રાતે 9 વાગ્યે રવેડીની શરૂઆત થાય છે
આ મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ-બાવાઓની રવેડી છે. દેશ-વિદેશમાંથી લોકો આ રવેડી જોવા માટે આવતા હોય છે. ભવનાથ તળેટીમાં રાતે 9 વાગતા રવેડીનું ભવનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન થાય છે. જે ફરીને રાતે 11.30 વાગતા પરત ભવનાથ મંદિરે પરત ફરે છે. આ રવેડીમાં જુદા-જુદા અખાડાના સાધુ-સંતો, દિગંબર સાધુઓ અને સાધ્વીઓ ભાગ લેતા હોય છે. આ રવેડીમાં નવ નાથ, ચોર્યાસી સિદ્ધ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને દત્રાત્રેય ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરીને આવતા હોવાની માન્યતા પણ છે. ત્યારે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે.

રવેડીની ફાઇલ તસવીર

અનેક અખાડા બને છે આસ્થાનું કેન્દ્ર
આ રવેડીમાં જૂનાગઢમાં આવેલા અખાડાઓ જોડાતા હોય છે. તેમાં સૌથી આગળ પંચદશનામી અખાડાની ગુરુ દત્તાત્રેયની પાલખી હોય છે. ત્યારબાદ જૂના અખાડા આવે છે. તેના પછી આહ્વાન અખાડા અને અગ્નિ અખાડાના સાધુઓ આવે છે. બાકી રવેડીમાં દિગંબરી ન હોય તેવા દશનામી ગોસ્વામી સાધુઓ જોડાય છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ રવેડીમાં કિન્નર અખાડાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ રવેડી જોવા માટે રસ્તાની બંને તરફ રેલિંગ બાંધવામાં આવે છે. જેથી સામાન્ય માણસો ધક્કામુક્કી કરે નહીં. બપોરના 2 વાગ્યા આસપાસ રેલિંગ બંધાવવાની શરૂઆત થઈ જાય છે અને માણસો જગ્યા લઈને બેસી જાય છે. ત્યારથી લઈને છેક રાતે રવેડી નીકળે ત્યાં સુધી લોકો ત્યાં રાહ જોઈને બેઠા હોય છે.

ભવનાથના મેળામાં આવેલા સાધુ

અશ્વત્થામા-ભરથરી આવતા હોવાની માન્યતા
આ રવેડીમાં જોડાતા તમામ અખાડા પાસે પોતાના અલગ-અલગ નિશાનવાળા ધ્વજાદંડ હોય છે. આ ધ્વજા અખાડાની શરૂઆતમાં રાખવામાં આવે છે. જેથી અખાડાની ઓળખ કરી શકાય. આ રવેડીમાં નાગાબાવાઓ વિવિધ કરતબો કરી લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. જેમાં મુખ્યત્વે ભાલા, તલવાર, પટ્ટાબાજી અને લઠ્ઠબાજી કરતા જોવા મળે છે. લોકોમાં એવી પણ માન્યતા પ્રવર્તે છે કે, આ મેળામાં અમર આત્માઓ ગણાતા અશ્વત્થામા, રાજા ભરથરી, રાજા ગોપીચંદ પણ અચૂકપણે હાજર રહેતા હોય છે.

વિવિધ કરતબો કરી લોકોને મંત્રમુગ્ધ કરે છે
આ રવેડીમાં વિવિધ કરતબો દેખાડવામાં આવતા હોય છે. જેવી રીતે ગાડીને દોરડું બાંધી જનેન્દ્રિયથી ખેંચતા હોય છે. આ ઉપરાંત સાધુઓ જનેન્દ્રિયથી કોઈ વજનદાર વસ્તુ ઊંચકીને બતાવતા હોય છે. કોઈ સાધુ લિંગ પર લોખંડનો સળિયો રાખી તેની બંને બાજુ માણસને ઊભા રાખી હેરતંગેઝ કરતબ કરી બતાવતા હોય છે. કેટલાક સાધુઓ તલવારબાજી તો વળી કેટલાક સાધુઓ લઠ્ઠબાજી પણ કરતા જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક સાધુ પોતાની ઇન્દ્રિયને તલવાર કે લાકડીની ફરતે વિંટાળતા હોય છે. આમ, મંત્રમુગ્ધ કરી દે તેવા કરતબો બતાવતું સાધુઓનું સરઘસ તળેટીમાં જૂના અખાડા પાસેથી નીકળે છે અને ત્યારબાદ તળેટીમાં ફરીને ફરી ભવનાથ મહાદેવના મંદિરે પહોંચે છે.

શાહી સ્નાન સાથે પૂર્ણાહુતિ

શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ
શિવરાત્રિની મધ્યરાતે 12 વાગ્યે સ્વયંભૂ ભવનાથ મહાદેવની દિવ્ય આરતી કરવામાં આવે છે. ત્યારબાદ વિધિવત્ રીતે મૃગીકુંડનું પૂજન કરવામાં આવે છે. સૌથી પહેલા મૃગીકુંડમાં દિગંબર સાધુ ડૂબકી લગાવે છે અને તે સાથે જ શાહી સ્નાનની શરૂઆત થાય છે. ત્યારબાદ એકબાદ એક અખાડાઓ મંદિરમાં આવે છે, મૃગીકુંડમાં સ્નાન કરે છે અને મહાદેવના દર્શન કરે છે. શાહીસ્નાન રવેડીનો અંતિમ પડાવ છે. શાહીસ્નાન પૂરું થતા જ ભવનાથ મેળાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ તમામા સાધુ-સાધ્વીઓ પોતપોતાના સ્થાને પરત પહોંચી જાય છે.